ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલે હજું ગુનો કબૂલ કર્યો નથી. કુલ 908 સવાલોનું 355 પેજમાં ફેનિલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સુરતના પાસોદરામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યામાં આરોપી ફેનિલનું આખો દિવસ નિવેદન લેવાયું હતું. કોર્ટની પ્રક્રિયા પૂરી કરીને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ વ્યાસની તબિયત સારી ન હોવા છતાં આ કેસની ટ્રાયલને ઝડપથી આગળ વધારી હતી. આ દરમિયાન બચાવ પક્ષ તરફથી એક પેનડ્રાઈવ આપવામાં આવી હતી. જેમાં ફેનિલ અને ગ્રીષ્માના ફોટો હતા.

ફેનિલ ગોયાણીનું ફરીથી સ્ટેટમેન્ટ લેવાયું છે. સતત ચાર કલાક સુધી ચાલું રહેલી આ પ્રક્રિયામાં ફેનિલને કુલ 908 પ્રશ્નો કરાયા હતા. જેમાંથી 355 પાનાનું નિવેદન તૈયાર કરવામાં આવ્યું હતું. પણ હજુ સુધી ફેનિલે કોઈ પ્રકારનો ગુનો કબૂલ કર્યો નથી. પોતાનો જવાબ દલીલમાં આપશે એવું કહ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન જે મુદ્દા સામે આવ્યા એમાં ફેનિલને બીજા પ્રશ્નો કરાયા હતા. સરકાર તરફથી પૂછાયેલા સવાલના જવાબમાં બચાવ પક્ષના વકીલ તરફથી જવાબ દેવાયા હતા. ફેનિલને સવાલ ટ્રાયલ દરમિયાન ડોકટર, ઉપરાંતના જે સાહેદોએ જવાબ આપ્યા હતા, તેના પરથી પુછાયા હતા.

જે પુરાવા આરોપી સામે આવ્યા છે તેને સંલગ્ન પ્રશ્ન કરાયા હતા. જેમાં દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીનો એમ બંનેનો સમાવેશ થાય છે. આ મામલે આરોપીનો ખુલાસો પણ માગવામાં આવ્યો હતો. જો કે, મોટાભાગના સવાલોના જવાબ અંતિમ દલીલમાં આપવામાં આવશે એમ જણાવાયું હતું. 190 સાક્ષીમાંથી 105 સાક્ષીઓની ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા. સરકાર પક્ષ તરફથી ક્લોઝિંગ આપવામાં આવ્યું. હવે આ કેસમાં આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ જાહેર થાય એવું મનાય રહ્યું છે.

આગામી એકાદ બે મુદતોમાં જાહેર થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. સૌ કોઈ આ ચૂકાદાની રાહ જોઈને બેઠા છે. મોટાભાગના લોકોનું ધ્યાન મુખ્ય ન્યાયાધિશ જે ચૂકાદો જાહેર કરે એના પર રહ્યું છે. 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળુ કાપીને હત્યા કરી નાંખી હતી. એ પછી પોતાના હાથની નસકાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ પોલીસે એને કોર્ટમાં રજૂ કર્યો હતો.

