અમદાવાદના કુલ 48 વૉર્ડમાંથી જોધપુર વૉર્ડ એવો છે જ્યાં દરરોજ 20 કલાક પાણી આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 24 વૉર્ડ એવા છે જ્યાં માત્ર અઢી કલાક પાણી દેવામાં આવે છે. 14 વૉર્ડમાં દરરોજ 2 કલાક અને 9 વૉર્ડમાં માંડ પોણા બે કલાક પાણી આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોના જવાબ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેઆ અંગે વિશેષ માહિતી આપી હતી. પાંચ વૉર્ડ એવા રહ્યા છે જ્યાં ટેન્કરથી પાણી આપવામાં આવે છે.
અમદાવાદ શહેરના જોધપુરમાં 24 કલાક પાણી માટે એક ખાસ પ્રકારનું નેટવર્ક રાખવામાં આવ્યું છે. જેની ડીઝાઈન એવી છે કે જો ત્યાં 2 કલાક પાણી આપવું હોય તો આ ડીઝાઈનમાં પાઈપ નાનો હોવાથી વધારે કલાક સુધી પાણી આપવું પડે છે. એવું એડિશનલ સિટી ઈજનેર વોટર પ્રોજેક્ટના પી.એ.પટેલે જણાવ્યું છે. મક્તપુરા, બહેરામપુરા,રામોલ, હાથીજણ અને લાંભા એમ પાંચ વૉર્ડ એવા છે જ્યાં ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે. જ્યાં ગેરકાયદે વસવાટ બન્યા હોય તેમજ જીઆઈડીસી અને ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનું નેટવર્ક નાખવામાં ન આવ્યું હોય તે વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે સાબરમતી,ચાંદખેડા, રાણીપ, નવા વાડજ, સરદાર પટેલ સ્ટેડિમ, નારણપુરા, નરોડા, સરદારનગર, કુબેરનગર, નવરંગપુરા અસરવા, શાહીબાગ વિરાટનગર, પાલડી, સરસપુર રખિયાલ, ગોમતીનગર., વાણસા, ઓઢવ, ઈન્દ્રપુરી, ખોખરા, વટવા અને ઈસનપુરમાં અઢી કલાક સુધી પાણી આપવામાં આવે છે.

જ્યારે ગોતા, ચાંદલોડિયા, થલતેજ, ઘાટલોડિયા, બોડકદેવ, વેજલપુર, બાપુનગર, સરખેજ, મક્તમપુરા જેવા વિસ્તારમાં પોણા બે કલાક જ પાણી દેવાય રહ્યું છે. જ્યારે સૈજપુર, બોઘા, દરિયાપુર, શાહપુર, ઠક્કરબાપા નગર, નિકોલ ખાડિયા, દાણીલિમડા, મણિનગર, વસ્ત્રાલ, ભાઈપુરા હાટકેશ્વર લાંભા, રામોલ અને હાથીજણમાં બે કલાક સુધી પાણી વિતરણ કરાય છે. સામાન્ય રીતે WHOના નિયમ પ્રમાણે એક નાગરિકને 160 થી 170 લીટર જેટલો પાણીનો જથ્થો જોઇએ. તેને ધ્યાને લઇએ તો શહેરમાં એક કરોડ નાગરિકોને પાણી મળી રહે તેટલો જથ્થો પ્રતિદિન શહેરમાં વિતરણ કરવામાં આવે છે. પણ એક જગ્યાએ વધારે અને બીજી જગ્યાએ ઓછા સમયગાળાને કારણે યોગ્ય રીતે પાણી ન મળતું રહેવાની ફરિયાદ છે.

