રાજકોટમાં દિન પ્રતિદિન રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. આજે બે આખલાઓએ બે વૃદ્ધાને ઢીંકે લેતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બે દિવસ પહેલા જ મેયરના વોર્ડમાં આખલાઓ લડતા લડતા બાઈક ઉપર પડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના બની છે. ત્યારે બે દિવસ બાદ ફરી આખલાઓએ બે વૃદ્ધાને ઢીંકે ચડાવવાની ઘટનાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે.

રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા કેસરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા આજે સવારે ક્વાર્ટર નજીક ઉભા હતા. ત્યારે અચાનક બે આખલા ધસી આવ્યા અને બંનેને ઢીંક મારી પછાડી દીધા હતા. આથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં બંનેના પરિવારજનોએ મનપા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ઢોર પકડવાની કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના ઘટતા લોકોમાં રોષ ભભૂક્યો છે.

પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે, માજી ઉભા હતા અને અચાનક આખલાએ આવીને ઢીંક મારી ધક્કો મારી દીધો હતો. આથી તેઓ જમીન પર પટકાયા હતા. શરીરમાં ત્રણ-ચાર જગ્યાએ ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવને લઇને મનપા દ્વારા ખાસ કડક પગલા લેવામાં આવે, તાજેતરમાં આ ચોથો-પાંચમો બનાવ છે. ઢોર પકડ પાર્ટીવાળા છેલ્લા બે મહિનાથી આવ્યા જ નથી.

