વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં કોરોનામાં અનાથ અને નિરાધાર થયેલા બાળકો અંગેના પ્રશ્નો ઉઠ્યાં હતાં. આ મુદ્દે સરકારે કબુલાત કરી હતી. કોરોનાકાળમાં 27 હજાર કરતા વધારે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સરકારે કોરોનાકાળમાં છુપાવેલા આંકડા આજે વિધાનસભા સત્ર દરમયાન સામે આવ્યાં છે.

ગુજરાત વિધાનસભામાં આજે કોરોના અંગે થયેલી ચર્ચા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ સરકાર પર ગુનાહિત પ્રવત્તિને કારણે કોરોનામાં 3 લાખ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર માનવતા દર્શાવી સહાય આપશે તો 3 લાખ લોકોને સહાય આપવી પડશે. સરકારે કોરોનામાં 10 હજાર લોકોના મૃત્યુ થયાની માહિતી આપી છે. જ્યારે બાળ સખા યોજનામાં 27 હજારથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી સરકારે 20 હજાર અરજીઓ મંજૂર કરી છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ મૃતકને આપવાની સહાયમાં સરકારે 1 લાખથી વધુ લોકોને સહાય ચુકવી છે. આ જ બતાવે છે કે કોરોનામાં ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકારે છુપાવ્યા છે. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાયનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે કહ્યું કે, 10 હજાર 942 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યાના સરકારે આંકડા દર્શાવ્યા છે. સરકારે 20 હજાર 970 બાળકોને સહાયની અરજી મંજૂર કરી છે. બાલ સહાયની 3 હજાર અરજી પડતર છે. 10 હજાર 942 મૃત્યુ થયા હોય તો 20 હજાર 970 અરજી કેમ મંજૂર થઇ છે.

