અમરેલીના ભંડારિયા ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પૂર્વ વિપક્ષી નેતા આક્રમક મૂડમાં જોવા મળ્યાં હતાં. પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો તેણે ભાજપને વિપક્ષમાં રાખવા માટે હુંકાર કરી હતી.

અમરેલી તાલુકાના ભંડારિયા ગામમાં 2 દિવસ પહેલાં કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિપક્ષના પૂર્વ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકીય રીતે ભાજપ અને કોંગ્રેસની લડાઈ લોકશાહીને બચાવવાનો પ્રયાસ છે. ભાજપના મિત્રો કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જુએ છે. પરંતુ અમારે તો લોકશાહીને બચાવવા ભાજપને પણ વિપક્ષમાં રાખવો છે.

તેમણે જણાવ્યું કે, એવું ન કહેતા કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટ પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ જાય. ભલે થોડા તો થોડાક, પરંતુ ભાજપના પણ ધારાસભ્યો રાખજો, જેથી અમારી નબળાઈઓ પણ ઉજાગર કરી શકે. કમજોરીનો અરીસો બનાવવાનું કામ આગામી દિવસોમાં ભાજપ વિપક્ષમાં બેસીને કરે. વિધાનસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે રાજનેતાઓ નિવેદન બાજી કરી રહ્યા છે. વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ તેમના મતવિસ્તારમાં વિપક્ષ તરીકે ભાજપને બેસાડવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

