મહેસાણા જિલ્લામાંથી એક જ સમાજમાં બે જુથ પડ્યા હોવાની વાત સામે આવી છે. પૂર્વમંત્રી વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવ્યા બાદ ચૌધરી સમાજમાં વિવાદ વધ્યો છે. મહેસાણા જિલ્લાના બોરિયાવી ખાતે વિપુલ ચૌધરીના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી બાજું વિસનગરના ગુંજા ખાતે અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું. એક બાજું ઉનાળો શરૂ થઈ રહ્યો છે પણ ગરમાવો રાજનીતિમાં દિવસે દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ચૌધરી સમાજમાં બે ફાટા પડ્યા બાદ રાજકીય અસર શક્યતા તરીકે હાલ આને જોવાઈ રહ્યું છે. સવા વર્ષ પહેલા વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીમાં હારી ગયા હતા. પછી રાજકીય રીતે સક્રિય થઈ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.

પૂર્વ મંત્રીએ અર્બુદા સેના તૈયાર કર્યા બાદ હરિભાઈ ચૌધરી સામે કરવામાં આવેલા વાણીવિલાસ સામે પણ કેટલાક ચૌધરી આગેવાનો એ વાંધો ઊઠાવ્યો છે. જેના કારણે ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હરિભાઈના સમર્થકોએ વિપુલ ચૌધરીને એવી સલાહ આપી છે કે, આવું કોઈ નિવેદન આપતા પહેલા તેઓ વિચાર કરે. કારણ કે હરિભાઈ ચૌધરીએ સમાજ માટે ઘણા મોટા કામ કર્યા છે. મહેસાણામાં યોજાયેલી વિરોધ સભામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો તથા લોકો આવી પહોંચ્યા હતા. જોકે, સામસામે ખેંચતાણ થઈ હોય એવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ વિપુલ ચૌધરીએ હરિભાઈ ચૌધરી સામે ખોટી રીતે ટિપ્પણી કરી હતી. તેમણે હરિ ચૌધરીને ગદ્દાર કહી દેતા વિવાદ થયો હતો. જ્યારે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને પપ્પુ કહી દીધા હતા. એ પછી ચૌધરી સમાજ બે ભાગમાં વહેચાઈ ગયો. મહેસાણા પાસે ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં શપલ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે બોરિયાવી ગામે હરિ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં આક્રોશ સંમેલન યોજાયું હતું. એ પછી આ વિવાદે મોટું રૂપ લઈ લીધું હતું. આંતરિક વિવાદ હવે સપાટી પર આવતા સમાજમાં બે ફાટા પડ્યા અને નારાજગીનું વાતાવરણ છે. મહેસાણાના ગુંજા ખાતે અર્બુદા સેનાનું સંમેલન યોજાયું હતું. પામોલ ખાતે સંમેલનમાં વિપુલ ચૌધરીએ હરિભાઈ સામે નિવેદન આપીને આક્રોશ ઠાલવ્યો છે. જેમાં કેટલાક જાણીતા આગેવાનો પણ હાજર રહ્યા હતા. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન પદે રહી ચૂક્યા છે.

જોકે, હવે વિપુલ ચૌધરી માફી માગે એવા સુર વહેતા થયા છે.હરિભાઈ ચૌધરીના સમર્થકોએ કહ્યું હતું કે, સમાજ માટે હરિભાઈ ચૌધરીનો ફાળો મોટો છે. તેઓ એક આદરણીય વ્યક્તિ છે. એમની સામે આવો શાબ્દિક બફાટ યોગ્ય નથી. વિપુલ ચૌધરીએ અગાઉ પણ કહ્યું હતું કે, હરિભાઈ ચૌધરી ખોટી રીતે સત્તાનો ઉપયોગ કરે છે. પછી આ સભામાં હાલના આરોગ્ય મંત્રી ઋષિકેટ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું આપી દેવા હાંકલ કરી હતી. વાત ત્યાં સુધી પહોંચી હતી કે, વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે આગેવાનો ઢોલ નગારા લઈને ફરે છે. તમે પંદર વર્ષ સુધી ગેરનીતિ કરી છે હવે આવું કરો છો. જો કે, આ સભા પહેલાં દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ એક પત્રકાર પરીષદ બોલાવી હતી. જેમાં મોધજી ચૌધરીએ હરિભાઈને પ્રશ્ન પૂછ્યા હતા કે, દૂધ સાગર ડેરી અને સમાજ સાથે જો હરિભાઈ ચૌધરીએ ગદ્દારી ન કરી હોય તો હરિભાઈ કાલે યોજાનાર સભામાં જવાબ આપે. ઉલ્લેખનીય છે કે, મોધજી ચૌધરીએ ભૂતકાળમાં ચૌધરી સમાજમાં બનેલી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરીને હરિભાઈ ચૌધરી પાસે તેમની ભૂમિકા અંગે સવાલ કર્યા છે.

