અમરેલીના ખાંભા નજીક આવેલા લાપાળા ડુંગર વિસ્તારમાં આગ લાગી છે. સિંહોના રહેઠાણની નજીક આગ લાગતા વનવિભાગ સાબતુ બની ગયું છે. આ આગમાં કોઈપણ વન્યપ્રાણીઓને કોઈ નુકશાન થયું નહીં હોવાનું વનવિભાગ જણાવી રહ્યું છે. તો આગ ઉપર કાબુ મેળવવા માટે સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ પણ લેવાઈ છે.

અમરેલીના મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં જ આગની ઘટના બનતા વનવિભાગ સતર્ક બન્યું છે. ગઈકાલે સાંજના સમયે ખાંભાના લાપાળા ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે. આગના કારણે ખાંભા હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. ગીરના જંગલ વિસ્તાર નજીકમાં જ આગનો બનાવ બનતા વનવિભાગ સતર્ક બન્યું છે.

આગ વધુ પ્રસરે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ મિતિયાળા જંગલ જે સિંહોનું રહેઠાણ મનાય છે તે આવેલું હોય વનવિભાગની એક ટીમ ત્યાં તૈનાત કરી દેવાઈ છે. હાલમાં વન્યપ્રાણીઓને કોઈ નુકશાન થયું હોવાના સમાચારો સામે આવ્યાં નથી.

