રાજ્યમાં વિઘાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો યુદ્ધના ધોરણે અભિયાન ચલાવવા માટે સક્રિય થઈ ગયા છે. ગુજરાતના આદિવાસી વર્ગના દિગ્ગજ નેતા અને બીટીપીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજેશ વસાવે હવે કોંગ્રેસને ખેસ પહેરી લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ એમને ખેસ પહેરાવીને પક્ષમાં એમનું સ્વાગત કર્યું છે. આ પ્રસંગે રધુ શર્માએ કહ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર માટે તેઓ લડે છે. તે ખૂબ જ શિક્ષિત નેતા છે.
હું એવી આશા રાખું છું કે તેઓ કોંગ્રેસને મજબુત કરશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે રાજેશ વસાવા કોંગ્રેસમાં આવી ગયા છે. આજે તેમને કોંગ્રેસમાં સ્વીકારૂ છું. વર્ષોથી સામાજિક અને આર્થિક લડાઈ લડી છે. હવે ભાજપની કિન્નખોરી સામે મજબુતીથી લડાઈ આપીશું. કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ રાજેશ વસાવાએ કહ્યું કે, સૌ પ્રથમ તો હું આજે ગુજરાતના કાર્યાલય ખાતે આવેલા તમામનો આભાર વ્યક્ત કરૂ છું. કારણ કે, એક સામાન્ય વ્યક્તિ જે આદિવાસી સમુદાયમાંથી આવે છે. એને આવકારવા માટે, એને લાઈમલાઈટ આપવા, ઘણા લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. તમામ મીડિયા તથા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરૂ છું. ગુજરાતના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, અધ્યક્ષ જગદીશ ઠાકોર, વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલ, સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં આજે કોંગ્રેસમાં જોડાયો છું. જોડાવવા પાછળનું કારણ એટલું જ છે કે, ભાજપ સરકાર એ સરકાર છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે ગુજરાતમાં શાસનમાં છે છતાં આદિવાસીને ઘેટા બકરા અને જીવજંતુઓ સમજીને, આદિવાસી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ લાવીને, વિસ્તારના જળ, જંગલ જમીન, જે ખનિન સંપત્તિ છે. આ સિવાય જે આદિવાસી સંસ્કૃતિ છે. એને ખતમ કરવાનું કારસ્તાન કરી રહી છે.

આ સરકારને ઘણી વાર હાથ જોડીને વિનંતી પણ કરી છે કે, આદિવાસીઓને બચાવો, જેથી કરીને તમારા શહેર પણ બચી જશે. છતાં સરકારે આ વાતની કોઈ તસ્દી લીધી નથી. એટલે અમે એક વિચારાધારા સાથે આવ્યા છે. અમારા આદર્શ જયપાલસિંહ મુંડા જે ઝારખંડના હતા. તેમણે પણ કોંગ્રેસ સરકારમાં આવી આદિવાસીઓના બંધારણીય અધિકારો એની અમલવારી કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. એમાં સફળ પણ રહ્યા. કોંગ્રેસ સરકાર જ એક એવી સરકાર છે જેણે આદિવાસી લોકો છે એનો વિકાસ કરવા માટે કામ કર્યું. ફોરેસ્ટ રાઈટ કે અનામત જેવી અનેક એવી બાબતો છે જે આદિવાસીઓના વિકાસ સાથે જોડાયેલી છે એની અમલવારી કોંગ્રેસ સરકારે કરાવી છે. એમાં મોટો ફાળો રહ્યો છે. પૂરેપૂરી સભાન અવસ્થામાં કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. આગામી સમયમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટ લાવી છે એની સામે કોંગ્રેસમાં રહીને આદિવાસીની સંસ્કતિને બચાવવા માટેનું કામ કરતા રહીશું. અહીં કોઈ કમિટમેન્ટ ચૂંટણી માટેનું નથી. આદિવાસીઓનું અસ્તિત્વ બચાવવા માટેની આ લડાઈ છે. પ્રોજેક્ટ થકી આદિવાસી વિસ્તારને ખતમ કરવા ભાજપ પગલાં ભરે છે. એમની ગણતરી આદિવાસીઓ માણસ નથી એવી હોઈ શકે કોંગ્રેસ સામાન્ય વ્યક્તિને ધ્યાને રાખીને શાસન કરે છે. એ પછી ગામડાનો હોય કે શહેરનો. આ કોઈ રાજકીય સ્ટંટ નથી. અમે તો વિચારધારા સાથે જોડાયેલા છીએ. જે કંઈ પક્ષનો આદેશ હશે તો અમે એનો અનાદર નહીં કરીએ. આજે જે કંઈ મુશ્કેલી થઈ રહી છે એ રાજકીય છે. પણ જે ખોટું થઈ રહ્યું છે એને જે તે વ્યક્તિ સાંસદ કે વિધાનસભામાં અટકાવી શકશે.

