કહેવાય છે કે, સૌરાષ્ટ્રવાસીઓના રવિવારની શરૂઆત સવારે ગાંઠિયાથી થાય છે. જોકે, કોઈ પણ ગુજરાતીની સવાર ગુજરાત સિવાયના રાજ્ય કે પ્રાંતમાં ગાંઠિયાથી જ થાય એવું દરેક પરિવાર ઈચ્છતા હોય છે. પણ હવે દર રવિવારે ગાંઠિયા ખાવા નહીં પોસાય. ખાસ કરીને રાજકોટની સ્વાદપ્રેમી જનતાને ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે સિંગતેલમાં ભાવ વધારો થતા ગાંઠિયાના ભાવમાં રૂ.40નો સીધો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
જેના કારણે ગાંઠિયા રૂ.360થી 400ના કિલો થયા છે. એટલે હવે સવારે ગરમાગરમ ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂક્તે કરવાના રહેશે. મધ્યમવર્ગની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસની કમર આર્થિક રીતે હવે તૂટવા પર છે. કોરોનાથી કરવામાં આવેલા લોકડાઉનના મારમાંથી હજુ બેઠા થવાયું નથી ત્યાં જીવન ઉપયોગી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારાથી તમામ રીતે બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો થવાની અસર દરેક ફરસાણ પર થઈ છે. પણ સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો સીધો પહેલા ગાંઠિયાની ડીશને અસર કરે છે. ગુજરાતી થાળીમાં ફરસાણ વગર ન ચાલે. એટલે આ એક વાનગીમાં ભાવ વધારાથી કાઠિયાવાડી થાળી પણ મોંઘી થાય એવી પૂરી સંભાવના છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નજીવો તફાવત બાકી રહ્યો છે. ભાવ વધારો વસ્તુમાં થાય છે અને આર્થિક રીતે તેલ સામાન્ય માણસનું નીકળે છે. સિંગતેલમાં ડબ્બે રૂ.40નો મોટો ભાવ વધારો ઝીંકી દેવાતા તમામ ફરસાણના ભાવમાં મોટો વધારો થશે.

સિંગતેલની નવી કિંમત રૂ.2450 થઈ છે. જ્યારે કપાસિયામાં પણ રૂ.40ના ભાવ વધારા બાદ નવી કિંમત રૂ.2450 સામે આવી છે. જો જથ્થાબંધ ડબ્બાનો સોદો થાય તો પણ વેપારીઓ માંડ રૂ.10 ઓછા કરે છે. એમાં પણ ડિલેવરી ચાર્જ અલગથી લેતા સરવાળો સરખો થઈ જાય છે. રાજકોટ તેમજ જામનગરના ફરસાણના કેટલાક વેપારીઓ ત્યાં સુધી કહે છે કે, માત્ર તેલનો ભાવ વધારો નથી. ગેસ અને લોટમાં પણ ભાવ વધવાને કારણે કિંમત વધારી છે. આ ઉપરાંત પેકેજીંગ પણ દિવસે દિવસે મોંઘું થવાના એંધાણ છે. ઘણી વખત તેલના ભાવ ઘટે તો પેકેજ હિસાબે ભાવ ઓછા કર્યા છે. પણ એ સમયે ગેસ અને ચણાના લોટમાં તેમજ ખાંડ-મસાલા જેવી પાયાની વસ્તુઓમાં ભાવ એટલા ઘટતા નથી. એટલા માટે ગાઠિયા હવે મોંઘા થયા છે.

