અમદાવાદના સાણંદમાં ઓનર કીલિંગમાં ભાઈએ જ બનેવી અને તેની ગર્ભવતી બહેનને છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને મિર્ઝાપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તેમજ મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ વળતર ચુકવવા માટે આદેશ કર્યો છે. તેમજ આ કેસના સાક્ષીને રૂપિયા 50 હજારનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

વર્ષ 2018માં હત્યાના 6 મહિના પહેલા આરોપીની બહેન ઘરેથી ભાગી ગઈ હતી અને 5 માર્ચના રોજ વિશાલ સાથે લગ્ન કરી લીધા હતા. આરોપી હાર્દિકે આ લગ્નનો વિરોધ કર્યો હતો અને ગુસ્સે ભરાયેલો હતો. લગ્ન બાદ દંપતી અલગ-અલગ સ્થળો પર ભાગતા હતા. જોકે છેલ્લે તેઓ સાણંદમાં આવીને રહેવા લાગ્યા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન આરોપીને જાણ થઈ કે તેના બહેન-બનેવી સાણંદમાં રહે છે. જેથી તે ગુસ્સામાં તેના ઘરે પહોંચ્યો હતો અને બંને પર ઘાતકી હુમલો કર્યો હતો.

આરોપીને બહેન ગર્ભવતી હતી. પરંતુ આરોપીએ છરીના સતત ઘા મારતા દંપતિની સાથે મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું પણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ પોલીસે દંપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી કોર્ટમાં હાજર કરાયો હતો. આરોપીએ બહેનને 7 ઘા અને બનેવીને 17 ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.

