આ વર્ષે હવામાનની વિષમતાની અસર કેરી ના પાકને થઈ છે. ખાસ કરીને માવઠાને કારણે કેરી આ વખતે હજુ મોડી અને મોંઘી આવે એવા એંધાણ છે. કેસર કેરીના રસિકો માટે માઠા વાવડ સામે આવ્યા છે. ગતવર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને માવઠાના કારણે કેરીનું ઉત્પાદન ઘટે એવા એંધાણ છે. એટલે આ વર્ષે કેરી રસિકોને ખિસ્સુ વધારે હળવું કરવું પડશે.
ફળો રાજા અને અમૃત ફળ તરીકે ઓળખાતી કેસરનું મોટું ઉત્પાદન ગીર અને જૂનાગઢ પંથકમાં થાય છે. કદાચ આગામી મહિનામાં ફ્રૂટ બજારોમાં જોવા મળશે પણ ભાવ બમણો રહશે. બીજી બાજુ ગતવર્ષ આવેલા તાઉતે વાવાઝોડાના લીધે કેસરના પાકને મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જે હજુ સુધી રિકવર થયું નથી. ખાસ તો ઉના, ગીર, ગઢડા, જૂનાગઢ સહિતના વિસ્તારમાં કેરીના અનેક ઝાડ ધ્વંસ થઈ ગયા છે. એટલે આ વખતે ઉત્પાદન માત્ર 50 ટકા થયું હોવાનું ખેડૂતોનું કેહવુ છે. સૌથી વધુ નુકસાન તલાલામાં થયું છે જેના કારણે આ વર્ષે કેસરનો પાક ઓછો થવાનું અનુમાન છે. જોકે સામાન્ય રીતે માર્ચમાં અથાણાં માટેની કેરી જોવા મળે છે. પણ હવામાનની વિષમતાઓને કારણે કેરી હજુ દેખાઈ નથી.
વાવાઝોડા પછી પણ કારણોના લીધે પણ કેસરનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. હવામાનમા સતત ફેરફાર, કમોસમી વરસાદ અને મધ્યો સહિતના રોગો જેવી સ્થિતિ કેરીને નુકસાન કરે છે. જેથી કેસરના પાકને ખુબ જ નુકશાન થાય છે. તો આ વર્ષે આ ત્રણેય મુદ્દા અસર કરી ગયા છે. આમ પણ એક મહિનો કેરીની સીઝન મોડી છે. કેરીના અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ ગઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. તો ક્યાંક મોટાભાગનું ફ્લાવરીંગ બળી ગયું છે.
હજુ કેરી આવતા વાર લાગી તો સીઝન આગળ પાછળ બની શકે. જેથી કેસર કેરીના ભાવ ખુબ જ મોંઘા બની શકે છે. ગત વર્ષે એક બોક્સ રૂ.500થી 700 માં વહેંચાતું હતું , જે આ વર્ષ ડબલ કિંમતથી વેચવાની પૂરી શક્યતા છે. આ વર્ષ 10 કિલો કેસરના બોક્સના રૂ.1200થી 1500 ભાવ રહેવાનું ખેડૂતો કહે છે. જો ચોમાસુ વહેલું સક્રિય થયું તો પણ કેસરના પાકને ફરી ભારે નુકસાન થશે એવી ભીતી ખેડૂતોને છે.
બાગાયત અધિકારી પણ આ વર્ષે ગત વર્ષની તુલનાએ કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. પણ ભાવમાં એટલો વધારો નહિં થાય. બોક્સના રૂ.700 આસપાસ ભાવ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદ ખાબકશે તો કેસરના પાકને વધુ નુકસાન થશે

