એક કેમિકલ કંપનીએ રૂ.20 લાખની ઇનપુટ ક્રેડિટનો ઉપયોગ ન થઈ શકતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કંપનીના વકીલે દલીલ કરી હતી કે, ક્રેડિટ ટ્રાન્સફર બતાવે છે પણ GST સિસ્ટમમાં કોઈ રીતે એની એન્ટ્રી દેખાતી ન હતી. તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેમજ રિટર્ન પણ ફાઈલ થઈ શકતું નથી. કંપનીએ આ રૂ.20 લાખની ઈનપુટ ક્રેડિટના ઉપયોગ માટે દાદ માગી હતી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલાની બેચે GST વિભાગને આ મુદ્દે ઉકેલ માટે સવાલ પૂછતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે ચંદ્ર પર જવું સહેલું છે. પણ GSTનો કાયદો સમજવો અઘરો છે. કોર્ટને કોઇ પૂછે કે ચંદ્ર પર જવું છે? તો અમે ચાન્સ લઇ શકીએ. પણ તમારા કાયદા અંગે કોઇ પૂછે તો અમે બે હાથ જોડીને કહીએ આ GSTના કાયદાને સમજવો અમારી ક્ષમતા નથી. કંપનીએ કરેલી આ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, વિભાગે એવો જવાબ આપ્યો હતો કે, તમે પોર્ટલની ટેકનિકલ ખામી અંગેનો સ્ક્રીન શોટસ મોકલો અમે તમને મદદ કરીશું.

પરતું ત્યારબાદ વિભાગે કોઇ પગલાં લીધા નથી. વિભાગે એવી રજૂઆત કરી હતી કે જો વેપારી ફોર્મ ભરે તો અમે ક્રેડિટ પરત કરી શકીશું. ખંડપીઠે એવી ટકોર કરી કે જો અન્ય કોઇ ખામી ન હોય તો જીએસટી વિભાગે કંપનીની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. પણ ક્રેડિટ ન મળતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. વેપારી તેની ક્રેડિટ તેના યુનિટને ફાળવી શકે તે માટે નક્કી કરેલા મહિનામાં જ તે ક્રેડિટ ડિસ્ટ્રિબ્યુટ કરી શકે છે.
વેપારી તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, ક્રેડીટ ડીસ્ટ્રિબ્યુર કરવાનો સવાલ નથી. પરતું અમારી રૂ.20 લાખની ઇનપુટ ક્રેડિટનો અમે ઉપયોગ કરી શકતા નથી. તેના લીધે GST રિટર્ન પણ ભરી શકતા નથી. જીએસટી વિભાગના અધિકારીઓ ટેકસનો મુદ્દો ઉઠાવીને તેમની ટેકનિકલ ખામીઓને ઢાંકી દેવામાં આવી રહી છે.

