સુરત આમ આદમી પાર્ટીમાં મોટા ભંગાણ થયા છે. ગાંધીનગરમાં આવેલા કમલમ ખાતે શુક્રવારે સુરત આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લેતા આમ આદમી પાર્ટી સુરતને મોટો ફટકો લાગ્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની હાજરીમાં પાંચ કોર્પોરેટરે કેસરિયો ખેસ પહેરી લીધો હતો. જે મામલે હવે આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદનું આયોજન કરી આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપ તરફથી આ રીતે કોર્પોરેટર્સને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ કોર્પોરેટર્સને રૂ.3 કરોડની ઓફર કરવામાં આવી હતી. અમે તો રાજનીતિ બદલવા આવ્યા છીએ. કેટલાક કોર્પોરેટર લાલચમાં આવી ગયા હોઈ શકે. ભાજપ પેપર ફોડે છે, આઉટસોર્સિંગ કરે છે અને લૂંટની પણ ઘટનાઓ બને છે. કલોલમાં રૂ.2 કરોડની લૂંટ થઈ હતી.એ સમયે હર્ષ સંઘવી કોર્પોરેટરને ભાજપમાં જોડવામાં હતા. ભાજપ છેલ્લા સાત વર્ષમાં રૂ.5 હજાર કરોડના ફંડ સુધી પહોંચ્યું છે. ત્યાંની પ્રજાને પહેલા પૂછો, કોર્પોરેટરને ખરીદતા પહેલા. પાંચ કોર્પોરેટરને ભાજપે શું લાલચ આપી હશે એ ખબર નથી. પણ ચૂંટણી આવવા દો ભાજપમાં હજું કેવા ભડાકા થાય છે એ જોજો. આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરીશું. અમારી લીગલ ટીમ સાથે એક બેઠક થશે. યુવાનોની હત્યા અને પેપર ફૂટવા મુદ્દે હવે રાજ્યપાલ સાથે મુલાકાત થશે. કોઈ પણ રીતે હવે ભાજપે ડરાવવાનું શરૂ કર્યું છે. લાંચ લેનારા અને આપનારા બંને ગુનેગાર છે. ગુજરાતની પ્રજાને વિનંતી છે કે, તમે જાગૃત થાવ, પ્રજા ભાજપના આવા ખરીદ વેચાણથી વાકેફ છે. ઉત્તર પ્રદેશમાં નવ ધારાસભ્ય અને ચાર મંત્રીઓ ગયા છે. તો શું ભાજપ ત્યાં ચૂંટણી નથી લડતો?પેપર ફોડ પાર્ટીમાં કેમ જોડાય છે કારણ કે મલાઈ મળતી હશે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી ભાજપની આવી તોડફોડની નીતિ સામે એક અભિયાન ચલાવીશું. અધિકારીઓ પૈસા કઢાવવા માટે મોટું કમિશન લે છે. ભાજપના પૂર્વ મંત્રીએ ભાજપના શાસનનો ભાંડો ફોડ્યો. જમીન ખાલી કરાવવાનું કામ અધિકારીઓ કે છે. આવાની કામે કોઈ પગલાં ન લેવાય. કારણ કે ગૃહમંત્રી જ ફોડવામાં પડ્યા છે. ગૃહમંત્રીનું કામ ભ્રષ્ટાચારને રોકવાનું છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ભાજપ તરફથી જ બેફામ ઉપયોગ થાય છે. પૈસાની લાલચથી કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો. સી.આર. પાટીલના મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોટેરને પૈસા આપ્યા છે.
કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું…
કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું કે, અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો. દબાણને કારણે આખરે કંટાળીને પક્ષ છોડી દીધો છે. દરેક વસ્તુ કેવી રીતે કરવી એનું અમને દબાણ કરવામાં આવતું હતું. રૂતા દુધાતરાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ અમારા પર અત્યાચાર કર્યો છે. આ અત્યાચાર કરનારા સામે ફરિયાદ થશે. કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું કે, ચૂંટણી પહેલા પક્ષ પ્રત્યે ઉત્સાહ હતો. આ પાર્ટી ST અને દલિત સમાજને પછાત ગણે છે. સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે. મનિષા કુકડિયાએ કહ્યું કે, અમે કોઈ લોભ કે લાલચથી ભાજપમાં ગયા નથી. શહેરના વિકાસ માટે ગયા છીએ. અમે પ્રજાની સાથે જ છીએ.
ઈશુદાને ઉમેર્યું કે, મહિલા કોર્પોરેટર દ્વારા દલિત છું એટલે પાણી ન પીવું એવો આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરાયો છે. આ ભાજપની એક પ્રકારની પૂર્વ આયોજિત સ્ક્રીપ્ટ છે. અમદાવાદના મેયરને બંગલામાં કેમ રહેવા નથી દેતા. દલિત છે એટલે! શું એમને મેયર બંગલામાં રહેવા નહીં જવા દેવાના? તમારે તો ભાજપમાં ન જવાય એવી મારી બહેનને વિનંતી છે. ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. તમામ મહાનગરના મેયરો મેયર બંગલામાં રહે છે પરંતુ અમદાવાદના મેયર દલિત છે એટલે એમને મેયર બંગલાં રહેવા નથી દેતા.
કોંગ્રેસના 14 ધારાસભ્યોને ભાજપે આ પહેલા પણ તોડ્યા હતા. એક જ જીતી શક્યા બાકી હાર્યા છે. પ્રજા નેતાને નક્કી કરે છે. રૂપિયાથી ભરેલી કોઈની થેલીઓ નહિ. ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી નહિ કરે. વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા.સી આર પાટીલ સુપર સીએમ છે. ચૂંટણી આવે છે એટલે આ બધું કરે છે. તેઓને સીએમ બનવું છે.પાટીલની વાત પર કોઈએ વિશ્વાસ ન મુકવો.

