રાજકોટમાં જો હવે તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય કે ધંધો ચલાવવો હોય તો પ્રોટેક્શન મની આપવી પડી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખોડીયારનગર રોડ ઉપર કાપડના વેપારીને જો તમારે આ વિસ્તારમાં દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને અઢી મહિનામાં રૂપિયા અઢી લાખ રૂપિયા હિસ્ટ્રીશીટરે ખંડણીરૂપે લઈ લીધા છે. વેપારીએ હિસ્ટ્રીશીટર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટના ખોડીયારનગર રોડ ઉપર એસ. કુમાર સિલેક્શન નામની દુકાન ચલાવતા અને કાપડનો વેપારકરતા દર્શન સાપાવડીયાને તે વિસ્તારમાં દુકાન ચલાવવા માટે હિસ્ટ્રીશીટર કિશન દલુ ચાવડાએ આ વિસ્તારમાં વેપાર કરવો હોય કે દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને પ્રથમ વખત રૂપિયા 20 હજાર બળજબરીથી પડાવી લીધા હતાં. ત્યારબાદ આ સિલસિલો અઢી મહિના સુધી ચાલ્યો ત્યાં સુધીમાં કટકે કટકે કરીને રૂપિયા 2.50 લાખની પ્રોટેક્શન મની ઉઘરાવી લીધી હતી.

તેમજ વેપારીને વારંવાર ફોન ઉપર અને દુકાને જઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું. જો રૂપિયા નહીં આપે તો તે વેપારી દર્શન અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ વેપારીએ હિંમત ભેગી કરીને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

