પંચમહાલ જિલ્લાના વેજલપુર પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે. આ જીવલેણ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરને વધુ તપાસ શરૂ કરી દીધી છે. ગોધરા-વડોદરા હાઈવે પર વેજલપુર પાસે ત્રણ યુવાન બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધું હતું.

જેના કારણે અકસ્માત થયો હતો. ત્રણ યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા. એ સમયે ટ્રકની ઠોકર લાગતા નીચે પટકાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસમાંથી ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. આ ત્રણ યુવાનો ખરસાલિયાથી હાલોલ બાજુ પરત આવી રહ્યા હતા. એ સમયે આ ઘટના બની હતી. વેજલપુર પાસે ટ્રકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્રણ દિવસ પહેલા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝિયાખુટ ગામના બે સગાભાઈઓ સહિત એક જ પરિવારના ત્રણ યુવાનો મોતને ભેટ્યા હતા. સંતરામપુર તાલુકાના વાંઝિયાખુટના ડેમલી ફળીયામાં રહેતા બે સગાભાઈ અજય લાલસિંહ ખરાડી (ઉ.વ.20), જયદીપ લાલસિંહ ખરાડી (ઉ.વ.27) અને વિકાસ ખરાડી (ઉ.વ.25) ઘરેથી હીરાપુર ગામે જવા માટે નીકળ્યા હતા. હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઈક સાથે અકસ્માત થયો હતો.

બસની આગળના ભાગમાં બાઈક ઘુસી ગયું હતું. જેના કારણે ત્રણેય યુવાનો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતા હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. છેલ્લા બે અઠવાડિયાથી હાઈવે પર થતા અકસ્માતની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. જેમાં ખાસ કરીને ટુ વ્હીલર્સ ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડમાં વાહન આવતા હોવાને કારણે પણ ઘણા અકસ્માત થયેલા છે.

