ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી વેવના ભણકારા વાગી રહ્યા છે. ગાઈડલાઈન્સનો અમલ કરાવવા માટે સરકાર વારંવાર અપીલ કરી રહી છે. મેડિકલજગતના નિષ્ણાંત તબીબોએ સ્પષ્ટતા કરી છે કે, મેળાવડા બંધ કરો. કોવિડના વધી રહેલા કેસ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. લગ્નગાળો શરૂ થઈ ગયો છે ત્યારે જૂનાગઢમાં ગુજરાતી ગાયક કિંજલ દવેએ લોકોને ડોલાવ્યા હતા. દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોરોનાને ધ્યાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ ભૂલાઈ ગઈ હતી. તા.18મી જાન્યુઆરીએ જૂનાગઢ જિલ્લાના તલાલાના આકોલવાડીમાં ખાનગી કાર્યક્રમમાં કિંજલ દવેએ સ્ટેજ પરથી પર્ફોમ કર્યું હતું. જાણવા મળ્યું હતું કે આ કોઈના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. મંદોરણા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ગાઈડલાઈન્સ ભૂલીને મન મૂકીને એન્જોય કર્યું હતું. હવે આવનારા દિવસોમાં જૂનાગઢમાં કેસ વધશે તો જવાબદાર કોણ? કિંજલ દવેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પણ શેર થયા હતા. જેના કારણે તે ફરીથી ચર્ચામાં આવી છે. આ પહેલા કીર્તિદાન ગઢવીએ આવો જાહેર કાર્યક્રમ કરીને લોકોને એકઠા કર્યા હતા. લગ્ન પ્રસંગે સરકારે 150 લોકોને મંજૂરી આપી હોવા છતા લોકો આવી રીતે બેદરકારી દાખવી રહ્યા છે. અહીં આવેલા લોકોમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું. ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સરકારે બનાવેલી ગાઈડલાઈન્સનો ઉલાળીયો થઈ ગયો હતો. ફાર્મ હાઉસમાં રાસ ગરબાની રમઝટ ચાલી રહી હતી. કિંજલ દવેએ રાસ ગરબાની રમઝટ બોલાવીને લોકોને ડોલાવ્યા હતા.
કોવિડની ગાઈડલાઈન્સનો ભંગ કરતા કિંજલ દવે ફરી એકવખત ચર્ચામાં આવી છે. ગત વર્ષો ઑક્ટોબર મહિનામાં જ્યારે સેકન્ડ વેવ ચાલતી હતી ત્યારે પણ આણંદના બોરસદના એક પાર્ટી પ્લોટમાં તેઓ નિયમ ભૂલીને લોકોને મોજ કરાવવા માટે પહોંચી ગયા હતા. આવી રીતે મેડાવડા થતા રહેશે તો ત્રીજી વેવ ચોક્કસથી ગુજરાતને હચમચાવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાના કોઈ વાવડ નથી.

