રાજ્યમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ફરી એકવખત રાજ્યના ચારેય મહાનગર કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા ઈન્ફેક્શન વચ્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ડ્યૂટી કરતા 12 સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતા દોડધામ મચી ગઈ છે. તમામ સંક્રમિત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરી દેવાયા છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોનાનાં નવાં કેસ નવી સપાટી ઉપર જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓમાં સંક્રમણના લક્ષણ જોવા મળતા ફરીથી ચિંતા વધી ગઈ છે. કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા ત્યારે સફાઈ કર્મચારીઓ પૈકી 12 સફાઈ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કવોરન્ટાઈન કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. સંજીવની રથ દ્વારા તેર હજાર ઘરોની મુલાકાત લેવાઈ- શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં 773 જેટલા સંજીવની રથ દ્વારા 13 હજાર ઘરોની મુલાકાત લેવામાં આવી છે.ઉપરાંત ધન્વંતરી રથ જે વિસ્તારમાં જાય એ વિસ્તારના કોર્પોરેટરને જાણ કરવાની તંત્રના અધિકારીઓને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સુચના આપવામાં આવી હતી. અમદાવાદમાં દરેક ટેસ્ટીંગ ડોમ ઉપર હાલમાં કોરોના ટેસ્ટ માટે 60 કીટ આપવામાં આવે છે અને કયા સી.એચ.સી.સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાશે એ અંગે લોકોને માહિતી મળે એ માટે બોર્ડ મુકવા તંત્રને સુચના આપવામાં આવી હતી.

