અમરેલીમાં આજે પોલીસ ભરતીની ગ્રાઉન્ડ પરીક્ષા લેવાઈ રહી હતી. આ દોડ જૂનાગઢના યુવાન માટે અંતિમ દોડ બનીને રહી હતી. ગ્રાઉન્ડ ઉપર દોડતા સમયે યુવાન એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યાં હતાં.

અમરેલીમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ ભરતીની ગ્રાઉન્ડની પરીક્ષા યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં રહેતો અમિત જોટવા નામનો યુવાન શારીરિક કસોટી માટે આવ્યો હતો. અમિતે દોડ શરૂ કર્યાં બાદ થોડી જ ક્ષણોમાં ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો. જે ઘટના જોતાની સાથે જ આસપાસ રહેલા પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં. પોલીસ જાવનોએ અમિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરાતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આમ સરકારી ભરતીની આ દોડ યુવાન માટે જિંદગીની છેલ્લી દોડ બની ગઈ હતી.

ઉમેદવારો દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાની છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને શારીરિક કસોટી સમય પત્રક મૂજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના રોજ લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરવાની માહિતી આપી હતી. આ દિવસોમાં જીપીએસસી તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરાશે તથા રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પણ ધ્યાનમાં લેવાશે.

