રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્ય હતો. જ્યાં સી.આર. પાટીલ ખાસ હાજરી આપવાના હતા. સરપંચનું સન્માન કરવાના હતા. પણ આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં યોજાઈ ગયો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પણ ખરાબ હવામાનને કારણે સી.આર. પાટીલનું હેલિકોપ્ટર ટેકઓફ થઈ શક્યું ન હતું.
વેધર ક્લિન થવાની રાહ જોતા જોતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અમદાવાદ એરપોર્ટ પર બે કલાકથી વધારે સમય સુધી રોકાયા પણ ગોંડલ સુધી પહોંચી શક્યા ન હતા. ખરાબ વાતાવરણને કારણે એમનું હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું. પછી પાટીલને ગાંધીનગર પરત ફરવું પડ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ ખાતે નવા ચૂંટાયેલા 77 સરપંચના સન્માનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. એમના સ્વાગત માટે શાનદાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંગ જાડેજાની આગેવાનીમાં આશાપુરા ચોકડી ખાતે એમના સ્વાગત માટે તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. પણ પાટીલ પહોંચી ન શકતા એમની ગેરહાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં આયોજીત સરપંચ સન્માન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષની ગેરહાજરી હતી પણ ભાજપે મોટું શક્તિપ્રદર્શન ક્યું હતું. આશાપુરા ચોકડીથી માર્કેટિંગ યાર્ડ સુધી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.આર. પાટીલની ગેરહાજરીમાં રાજ્યકક્ષા મંત્રી અરવિંદ રૈયાણી પણ આ બાઈક રેલીમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા સરપંચના સમર્થકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રમયોગી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જોકે,આ કાર્યક્રમને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ રૂપે જોવામાં આવે છે. બીજી તરફ ભાજપમાં અંદરખાને ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાજપે હાલમાં ગ્રાઉન્ડ લેવલ પર જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

