HomeGujaratમાતાના મૃતદેહને લાકડાની ગાડી પર મૂકી 10 કિમી દૂર ભરૂચ પહોંચ્યો

માતાના મૃતદેહને લાકડાની ગાડી પર મૂકી 10 કિમી દૂર ભરૂચ પહોંચ્યો

સમાજમાં એવું કહેવાય છે કે, કોઈને લગ્ન પ્રસંગે ન પહોંચો તો ચાલે પણ કોઈના અવસાનમાં પહોંચીને દુઃખ હળવું કરવા પ્રયાસ કરવા જોઈએ. પણ અંકલેશ્વરમાંથી જાણે માનવતા મરી પરવારી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. કોઈ વ્યક્તિની લાચારીનું એવું ચિત્ર જોવા મળ્યું કે, ભલભલાની આંખમાંથી પાણી નીકળી જાય. દયા આવી જાય. આમ તો સ્મશાન યાત્રામાં પરિવારજનો અને સ્વજનો જોવા મળે છે. પણ કોરોનાએ તો સ્મશાનયાત્રામાં પણ મોટી બ્રેક મારી દીધી છે.

અંકલેશ્વર અને ભરૂચ રોડ પર એવું દ્રશ્ય જોવા મળ્યું કે ક્રુર માણસ પણ પીગળી જાય. ભિક્ષા માગીને પોતાના અને માતાના પેટનો ખાડો પૂરતા મૂકબધીર વ્યક્તિની માતાનું અવસાન થયું હતું. પણ મૃતદેહ માટે ન તો ઠાઠડી હતી કે ન તો કોઈ અંતિમયાત્રાની બસ. માતાનું નિધન થતા લાચાર યુવાન અંકલેશ્વરથી ભરૂચ સુધી માતાના મૃતદેહને હાથગાડી પર મૂકીને 10 કિમીનું અંતરકાપીને સ્મશાન સુધી લઈ ગયો હતો. નિસહાય અવસ્થામાં આ વ્યક્તિને અંતિમયાત્રામાં પણ એકલાહાથે ઝઝુમવું પડ્યું. ગરીબી, મજબુરી અને શારીરિક રીતે અસક્ષમ હોવા છતા મૂકબધીરે હિંમતહાર્યા વગર માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રાના આ ફોટો સામે આવતા કેટલાકના હ્દય હચમચી ગયા છે.

માતાના મૃતદેહને હાથગાડી પર મૂકી એકલા હાથે 10 કિમી સુધી ગાડી ખેંચી હતી. એ જે માર્ગ પરથી પસાર થતો ત્યાં નજરે જોનારે આ વ્યક્તિને કોઈ પ્રકારની મદદ ન કરી. પૂછ્યું પણ નહીં. વ્યક્તિ તો મૂકબધીર હતી પણ પ્રેક્ષકો પણ મૂક અને દિવ્યાંગ હતા. 10 કિમી સુધી માતાની અંતિમયાત્રાને ખેંચી હતી. દોરડાથી હાથગાડીને ઠાઠડી તરીકે માનીને માતાના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. થોડા સમય માટે ભરૂચ સ્મશાનના લોકો પણ ભાવુક થઈ ગયા હતા. ત્યાં રહેલા લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી.

રવિવારે મૂકબધીરની માતા અવસાન પામી હતી. મૃત્યું બાદ મૂંગા દીકરાએ માતાના દેહને સ્મશાન સુધી પહોંચાડ્યો. પણ સ્મશાન સુધીનો રસ્તો વ્યક્તિ માટે જીવનની મોટી કસોટી સમાન બની ગયો હતો. કંઈ બોલી શકે એમ ન હતો અને કોઈને કહી શકે એમ ન હતો. સમજાવે તો પણ કેવી રીતે? છેલ્લે મેરૂ ડગે પણ જેના મનડા ન ડગે એ રીતે જાત મહેનત જિંદાબાદ કરી એકલા હાથે 10 કિમી સુધી જે હાથગાડી પર ભીખ માગતો એના પર મૃતદેહ મૂકીને નર્મદા પાસે આવેલા સ્મશાન ઘાટ સુધી લઈ ગયો. રસ્તામાં લોકો તો ઘણા નજરે ચડ્યા કોઈને બોલી શક્યો નહીં.

અંતે એક રાહદારીએ સામાજિક કાર્યકરો અને સ્મશાન સંચાલકોને ફોન કરી આ વ્યક્તિની દશા સમજાવી. પછી તેઓ દોડી આવ્યા હતા. પણ ખૂબ જ મોડું થઈ ગયું હતું. મૂક બધીર અંકલેશ્વરથી ભરૂચ કોવિડ સ્મશાન સુધી પહોંચે એ પહેલા તો કેટલાય કિલોમીટર કાપી ચૂક્યો હતો. અંતે બોરભાઠા ગામના યુવકોએ મદદ કરી. માતાના મૃતદેહના અંતિમસંસ્કારમાં પણ મદદ કરી. મુકબધીરને સાંત્વના આપી. હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કફન સામગ્રી મંગાવીને દીકરાના હાથે અગ્નિદાહ અપાવ્યો હતો. ચિતાને સળગતા જોઈને પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW