હોસ્પિટલની બેદરકારીને કારણે ક્યારેક એવા કેસ બને છે કે, જમીન પગ નીચેથી સરકી જાય. ખાસ કરીને મૃત્યુંના કેસમાં એવું ઘણી વખત બન્યું છે કે, જેમાં હોસ્પિટલની બેદરકારી છત્તી થાય. આવી જ ઘટના કચ્છના ભૂજમાંથી સામે આવી છે. ભૂજ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાંથી વધુ એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે એક પરિવારની સારવાર હેઠળની જીવિત બાળકીના બદલે મૃત બાળક સોંપી દેતા ચકચાર મચી ગઈ હતી. આ વાતની જાણ પિતાને સ્મશાનયાત્રામાંથી થઈ.
નારાજ થયેલા પરિવારજનોએ કલેક્ટર કચેરીએ અને ડીડીઓ કચેરીએ રૂબરૂ પહોંચી રજૂઆત કરી છે. હવે મૃત બાળક કોનું હતુ એવો પ્રશ્ન ચર્ચામાં છે. અધિકારીના કહેવાથી મૃત બાળકને પરત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સુપરત કરવામાં આવ્યું. નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ ત્રણ દિવસ પહેલા તેમનાં પત્નીને પ્રસૂતિ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પછી ઓપરેશન થકી એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીને સારવારની જરૂર હોવાથી તેને શિશુ વિભાગમાં પેટીમાં રખાઈ હતી. જી.કે. જનરલ હોસ્પિટલના સ્ટાફ તરફથી બાળકીના પિતા કરીમભાઇને એવી જાણ કરાઈ કે, તમારું બાળક ગુજરી ગયું છે. જેને લઈ જવા કહેવાયું હતું. પિતાએ શિશુ બાળના મૃતદેહનો સ્વીકાર કરી આગળની વિધિ શરૂ કરી હતી.

જ્યારે મૃતદેહને દફન વિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો. પછી ખ્યાલ આવ્યો કે, આ બાળકીને બદલે બાળક છે. કરીમભાઇના પિતરાઈ ભાઈ અબ્દુલભાઈએ આ વિશે જાણકારી આપી. હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, બાળક બદલાવી દેવામાં આવ્યું. પછી જાણવા મળ્યું હતું કે, બાળકી સલામત અને જીવિત છે.
હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને યુદ્ધના ધોરણે દોડવું પડ્યું હતું. રાહતનો શ્વાસ ત્યારે લીધો જ્યારે બાળકી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. હવે સવાલ એ ચર્ચામાં છે કે, જે મૃત બાળક આપવામાં આવ્યું હતું એ કોનું હતું. બેદરકારી બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું? પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આપવીતી જણાવી હતી. જોકે, આવી અનેક પ્રકારની બેદરકારી અગાઉ પણ સામે આવી ચૂકી છે. ખાસ કરીને મામલો બાળકને લઈને હોય છે ત્યારે સંવેદનશીલ બની જાય છે.

