સમગ્ર દેશમાં કેશલેસ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારી તેમજ અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્વરૂપે ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ત્યારે હવે સૌરાષ્ટ્રની વીજકંપની પીજીવીસીએલ પણ આધુનિક બની રહી છે. પીજીવીસીએલ કંપની દ્વારા હવે ગ્રાહકોને અપાતા વીજબીલમાં જ ક્યુઆર કોડ આપવામાં આવી રહ્યો છે. જેને સ્કેન કરતા જ તમારૂ બિલ ભરાઈ જશે અને ગ્રાહકોને વીજકચેરીએ બીલ ભરવાની લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે.

પીજીવીસીએલના માહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે પીજીવીસીએલ દ્વારા ક્યુઆર કોડ સહિતની અન્ય જુદી જુદી સેવાઓ નવા વર્ષથી જ અમલ કરવા માટે જઈ રહ્યું છે. ગ્રાહકો પોતાનું વીજબીલ જુદી જુદી ઓનલાઈન પદ્ધતિ દ્વારા ભરી શકશે. આરટીજીએસ, એનઈએફટી પદ્ધતિમાં ગ્રહકો વીજબીલના ચુકવણા પોતાની બેંકના નેટ બેન્કીંગ મારફતે કરી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સના ભાગરૂપે પીજીવીસીએલ ઘરે બેઠા જ વીજબીલનું ડિજિટલ પેમેન્ટ કરવા માટે વિવિધ સુવિધા આપવા માટે જઈ રહ્યું છે.

દરેક ગ્રાહકને હવે નવા બીલમાં ક્યુઆર કોડ આપવામાં આવશે. જેને સ્કેન કરતા ગ્રાહકોને વીજબીલ માટે પીજીવીસીએલ વેબપોર્ટલ તરફ લઈ જશે. જ્યાં ગ્રાહકોએ પોતાનો 5 કે 11 નંબરનો ગ્રાહક નંબર તેમજ અન્ય વિગતો નાંખીને તેમનું વીજબીલ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આ ઉપરાંત પીજીવીસીએલની વેબસાઈટ ઉપર જોવા મળતા વીજબીલ ઉપર ડાયનેમિક ક્યુઆર કોડ પણ આપવામાં આવશે. જેને સ્કેન કરતા ગ્રાહક નંબર, નામ, વીજબીલની રકમ જેવી વિગતો આવશે અને ગ્રાહક એક જ ક્લિકમાં બીલનું પેમેન્ટ કરી શકશે.


