અમદાવાદ, શનિવાર
શહેરમાં રહેતા એક પરિણીત પુરૂષને પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થઈ હતી. જેને પગલે તેમણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. ફેમિલી કોર્ટ સમક્ષ આવેલા આ રસપ્રદ કિસ્સામાં અરજદાર પતિને પત્નીના લગ્નેતર સંબંધો અંગે 14 વર્ષ બાદ જાણ થતાં છૂટાછેડા માટે અરજી કરી છે. રસપ્રદ વાત તો એ છે કે અરજદારની પત્નીનો પ્રેમી ગેરમાર્ગે દોરી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ તેના ઘરમાં જ રહ્યો અને પતિની ગેરહાજરીમાં અનૈતિક સંબંધો બાંધતા હતાં. હાલ દંપતીને 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે.
1993માં અરજદાર પતિ પિયુષ(નામ બદલ્યું છે) લગ્ન મોના(નામ બદલ્યું છે)સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆતના દિવસોમાં પતિ-પત્ની અમદાવાદમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના 6 વર્ષ સુધી બધું હેમખેમ ચાલ્યુ. પરંતુ ત્યાર બાદ પત્ની મોના પતિ પિયુષના પરિવારજનો સાથે ઝઘડાઓ કરવા લાગી હતી. જેને પગલે થોડા વર્ષ બાદ તેઓ પોતાનું ઘર લઈ અલગ રહેવા લાગ્યા હતા.2007ની આસપાસ એટલે કે લગ્નના 14 વર્ષ બાદ મોના રમેશ(નામ બદલ્યું છે) નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા. જેમની ઓળખાણ પત્નીએ બહેનપણીના પતિ, ઉપરાંત પોતાનું બાળક અને રમેશનું બાળક સાથે અભ્યાસ કરે છે તેમ કહી આપી હતી.
આ ઉપરાંત તેઓ જ્યારે અમદાવાદમાં પોતાના નવા મકાનમાં રહેવા ગયા ત્યારે તેમના ઘરના વાસ્તુ પ્રસંગ નિમિત્તે કેટરિંગનું કામ પણ રમેશને સોંપ્યું હતું. જે બાદ અવાર-નવાર રમેશ પરિણીતાના ઘરે આવતો-જતો હતો. આ અંગે પતિ જ્યારે પત્નીને સવાલ કરતો ત્યારે યોગ્ય જવાબ આપતી નહીં અને તેમની સાથે ઝઘડો કરતી. અરજદાર પતિએ છૂટાછેડાની કરેલી અરજીપ્રમાણે પત્નીએ તેમને લગ્ન બાદના અધિકારો પણ આપ્યા ન હતા અને તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હતી.તેમાં પણ સૌથી આંચકાજનક વાત તો એ છે કે જ્યારે અરજદાર પોતાના નવા ઘરે રહેવા ગયા ત્યારે રમેશે તેમના ઘરમાં ભૂત-પ્રેત હોવાનું જણાવી, તાંત્રિક વિદ્યા કરવાના બહાને કહ્યું કે મારે તમારા ઘરમાં રહેવું પડશે. ત્યાર બાદ રમેશ 90 દિવસ સુધી અરજદારના ઘરમાં રહ્યો હતો. ત્યાર બાદ પણ તેઓ તેમના ઘરે આવતા જતા. જે બાદ સમય જતાં અરજદાર પતિને પત્નીના રમેશ સાથે સંબંધો હોવાની લગ્ન જીવનના 14 વર્ષ બાદ જાણ થઈ અને વર્ષ 2021ના ઓગસ્ટમાં તેમનાથી અલગ રહેવા જતા રહ્યા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

