ગાંધીનગર, શુક્રવાર
સાબરકાંઠામાંથી પેપર લીક કાંડ મામલે ગઈ કાલે જ પોલીસે વધુ ત્રણ લોકોની અટકાયત કરી હતી. ત્યારે પેપરલીક કેસમાં વધુ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. એક તરફ પેપર લીક થયા બાદ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાંની માંગ પણ ઉઠી રહી છે.ત્યારે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. સૂત્રધાર જયેશ પટેલ દ્વારા પેપર ક્લાસીસ સંચાલકોને અપાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયેશ પટેલ અને દેવલ પટેલ ક્લાસીસ સંચાલકોના સંપર્કમાં હતા. ક્લાસીસ સંચાલકોના માધ્યમથી ઉમેદવારો સુધી પેપર પહોંચ્યાની પોલીસને શંકા છે. જયેશ પટેલ અને દેવલ પટેલના ફોનથી વધુ રહસ્યો ખુલવાની શક્યતા જોવાઇ રહી છે.
જયેશ પટેલની પૂછપરછમાં જયેશ પટેલે 30 જેટલા લોકોને પેપર આપ્યાનું કબૂલ્યું છે.મહત્વનું છે કે સાબરકાંઠામાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસે અત્યાર સુધીમાં 18થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પેપરકાંડને લઈને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારથી લઇ વિદ્યાર્થી સુધી પેપર પહોંચાડનારા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે દેવલ પટેલની ધરપકડ કરી છે. તેમજ વધુ પ્રાંતિજના અન્ય બે લોકોની ધરપકડનો તખ્તો તૈયાર કર્યો છે.
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે અસિત વોરાને ક્લીનચિટ આપી છે. વાઘાણીએ આજે અસિત વોરાના વખાણ કરતાં કહ્યું કે તેમના સમયમાં ગુજરાતમા સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે. અને તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવશે નહીં. જૉ પેપરલીક થયું હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.

