રાજ્યમાં હેડક્લાર્ક પેપરલીકને લઈ રાજનીતિ ગરમાઈ છે અને કોંગ્રેસથી લઈ આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. 88 હજાર પરિવારોના સપના રોળાઈ ચૂક્યા છે અને જેના માથે માછલા ધોવાય છે તે ગૌણ સેવા મંડળના બેશર્મ ચેરમેન અસિત વોરાને ભાજપની સરકારે ક્લીનચીટ આપી દીધી છે. મુખ્યમંત્રીએ પણ અસિત વોરા સાથે પુરાની દોસ્તી નિભાવી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ ક્લીનચીટ અને મુખ્યમંત્રીને દોસ્તી આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુ મોંઘી પડી શકે છે. 88 હજાર પરિવારો જ નહી પણ લાખો પરિવારો હાલ અસિત વોરાની હકાલપટ્ટી કરવામાં નહી આવતાં નારાજ છે અને આ નારાજગી આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં જાેવા મળે તો નવાઈ જેવું લાગશે નહી.
અસિત વોરાની હકાલપટ્ટી કરવામાં કેમ આવતી નથી તેણે લઈ ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે પણ ભાજપની સરકારનો એક પણ મંત્રી કે એક પણ નેતા અસિત વોરા મુદ્દે ખૂલીને બોલી શક્તો નથી. અસિત વોરા ભાજપના નેતા છે અને આ નેતાને બચાવવા માટે ભાજપે કોઈ કસર બાકી રાખી નથી. આવનારા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણીમાં રાજ્યના લાખો યુવકો ભાજપના નેતાઓના ગાલ ઉપર સણસણતો તમાચો ઠોકવાના મૂડમાં છે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને અસિત વોરાના જુગલબંધીએ 88 હજાર પરિવારના સપના રોળ્યાં છે પણ રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું નથી. આ તો પેપરલીક થયું એ બહાર આવ્યું પણ અગાઉ જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ હશે અને જે સૂર્યા ઓફસેટમાં પેપર છપાયા હશે તે લીક નહી થયા હોય તેની શું ખાતરી એ પણ ચર્ચાનો વિષય છે. મુદ્રેશ અને અસિત વોરાએ અગાઉ કેટલા પરિવારોના સપના રોળ્યા હશે અને પાછલા બારણે કેટલા મામકાઓની ભરતી કરી હશે તે તપાસનો વિષય છે.
હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અત્યાર સુધી 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પણ જે પકડાયા છે એ આરોપીઓ તો માત્ર નાની માછલીઓ જ ગણવામાં આવે છે. ગૌણ સેવા મંડળમાં બેઠેલો એવો કયો મગરમચ્છ છે જેણે બચાવવા માટે ધમપછાડા થઈ રહ્યા છે તે ગુજરાતના લાખો યુવકો જાણવા માગે છે. પેપરલીક કાંડમાં શરૂઆતથી જ બેશર્મ અસિત વોરા આક્ષેપો નકારતા હતા અને કહેતા હતા કે, પૂરાવા આવશે એટલે તપાસ કરીશું. ગૌણ સેવા મંડળના ચેરમેન તરીકે સત્તા સંભાળતા અસિત વોરાની બોલતી ત્યારે બંધ થઈ કે જ્યારે પૂરાવા આપવામાં આવ્યા અને પછી સ્વીકારવું પડ્યું હતું કે, હા પેપર લીક થયું હતું. સમગ્ર ઘટનાકાંડ અત્યારે ફિલ્મી સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધી રહ્યો છે.

સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત ઉપર ભાજપના નેતાઓના ચારે હાથ હોવાથી ગુનાહિત ઈતિહાસ હોવા છતાં પણ પ્રિન્ટિંગ પ્રેસના ઓર્ડર મળતા રહ્યા હતા. હવે મુદ્રેશ પુરોહિતને પોલીસે દબોચ્યો છે ત્યારે આ કાંડનો રેલો અસિત વોરાના પગ નીચે આવવાની શક્યતાઓ જાેવામાં આવી રહી છે. અસિત વોરા ભાજપના નેતા છે અને ભાજપ સ્વાભાવિક છે કે તેના બચાવમાં આવે પણ અસિત વોરા સામે આટલા આક્ષેપો થઈ રહ્યા છે તેમ છતાં પણ ઈમાનદારીથી પોતાનું રાજીનામું આપતા નથી. જાણે કે પોતે દૂધે ધોયેલા હોય તેમ મુખ્યમંત્રીને મળવા આવે છે અને પછી કહે છે કે, શુભેચ્છા મુલાકાત હતી. અસિત વોરા નામનું હાડકું સરકારના ગળામાં ભરાઈ ચૂક્યું છે અને હવે આવનારા દિવસોમાં આ કાંડમાં ભાજપને મોટામાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
સરકારના મંત્રી અસિત વોરાને ક્લીનચીટ આપે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વોરાને ક્લીનચીટ આપીને જૂની દોસ્તી નિભાવી રહ્યા છે પણ ગુજરાતના લાખો ઉમેદવારો બેવકૂફ નથી કે એ ન ભૂલવું જાેઈએ. અસિત વોરાના મામલે ભાજપના નેતાઓના મોં સિવાય ચૂક્યા છે અને જે બોલે છે એ બચાવમાં બોલે છે પણ કોઈ છાતી ઠોકીને કહેતું નથી કે અસિત વોરાએ રાજીનામું આપી દેવું જાેઈએ. અસિત વોરાને બચાવવા મેદાને પડેલી ભાજપની સરકારને આ બચાવ ભૂમિકાની આકરામાં આકરી કિંમત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂકવવી પડે તો નવાઈ જેવું લાગશે નહી. ગુજરાતની સાડા છ કરોડ જનતાની આંખમાં ધૂળ નાખવાની ગુસ્તાખી કરનારા ભાજપના નેતાઓને જનતા ધોળા દિવસે તારા બતાવી શકે છે. અગાઉ પેપરલીક કાંડમાં કોઈ મોટો મગરમચ્છ પકડાયો નહોતો અને માત્રને માત્ર નાની માછલીઓ પકડીને સરકારે સંતોષ માન્યો હતો ત્યારે વર્તમાન કેસમાં પણ આ જ સ્થિતિ જાેવા મળી રહી છે. અસિત વોરા સામે આખી સરકાર અડીખમ ઊભી છે.
અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકાને લઈ સવાલો ઊઠી રહ્યા છે, સોશિયલ મીડિયામાં લાખો યુવકો રોષ ઠાલવી રહ્યા છે પણ સરકાર હજુ તે નજરઅંદાજ કરી રહી છે અને પોતાના પગ ઉપર કુહાડી મારી રહી છે. અસિત વોરાનો પેપરકાંડ મુદ્દો સરકાર માટે આગામી દિવસોમાં નુકસાનકારક સાબિત થવાનો છે તેમાં બેમત નથી. અસિત વોરાને હટાવવા જાય તો જનતામાં એવો સંદેશો જાય તેમ છે કે અસિત વોરાની પેપરકાંડમાં કોઈ ભૂમિકા હશે અને ભૂતકાળની પરીક્ષાઓમાં પણ આવા પેપરલીક કાંડ થયા હશે. જેથી સરકારની છબીને નુકસાન જાય તેમ છે તેથી સરકાર વોરાને સ્પષ્ટપણે બચાવી રહી છે.
સરકારના મંત્રીઓ એક જ જૂની રેકર્ડ વગાડે છે કે, કોઈને પણ છોડવામાં આવશે નહી પણ અરે ભાઈ, ગૌૈણ સવા મંડળના ચેરમેનની જવાબદારી છે કે, પેપરલીક કરનારા સામે કેમ ફરિયાદ કરવા ગયા નહી. અસિત વોરાએ શા માટે ગુનાહિત ઈતિહાસ ધરાવતા સૂર્યા ઓફસેટને પેપર પ્રિન્ટ કરવા માટે આપ્યા તેના જવાબ મળતા નથી અને કદાચ ભવિષ્યમાં પણ મળશે નહી. ભાજપની સરકાર અસિત વોરાને ભલે ક્લીનચીટ આપી દેતી હોય પણ રાજ્યના લાખો ઉમેદવારો અસિત વોરા મામલે રાજ્ય સરકારને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઈંટનો જવાબ પત્થરથી આપીને ભાજપને લીલાતોરણે ઘેર લાવશે તો નવાઈ જેવું લાગશે નહી. પ્રજાને એકવાર ઉલ્લુ બનાવી શકાય છે, બેવાર ઉલ્લુ બનાવી શકાય છે વારંવાર પ્રજાને ઉલ્લુ બનાવી શકાતી નથી એ ભાજપના નેતાઓ સમજતા નથી અને એ સમજણ આવશે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે.

