દુનિયામાં વધી રહેલા ઓમીક્રોન વાયરસને લઈને હવે એમ્સના ડૉ.ગુલેરિયા મોટી વાત કહી છે. જોકે, તેમણે દેશવાસીઓને સાવધાની રાખવા માટે પણ અપીલ કરી દીધી છે. કારણ કે, કોરોના વાયરસ કરતા ઓમીક્રોન વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. AIIMSના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશવાસીઓએ તૈયાર રહેવું જોઈએ. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ સહિત કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ડૉ. ગુલેરિયાએ આ એલર્ટ આપ્યું છે.
ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 150 થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના આ નવા પ્રકારને ખૂબ જ ચેપી માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારના હજારો કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે, બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના લગભગ દસ હજાર કેસ નોંધાયા છે. બ્રિટનમાં વધી રહેલા કેસનો ઉલ્લેખ કરતા ગુલેરિયાએ કહ્યું કે, આપણે પણ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. બ્રિટનમાં દરરોજ લગભગ એક લાખ કેસ સામે આવી રહ્યા છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે અમને હજુ પણ ઓમિક્રોન પર ડેટાની જરૂર છે.

જેથી સચોટ રીપોર્ટ તૈયાર કરી શકાય. તેમણે કહ્યું કે આપણે અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોમાં કોરોનાના વધતા ગ્રાફ પર સતર્ક નજર રાખવી પડશે. આવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે આપણી જાતને અગાઉથી તૈયાર કરીએ. એ જ સમજદારીભર્યું પગલું હશે. WHOનું કહેવું છે કે ઓમિક્રોન વિશ્વમાં સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વાયરસનો આ પ્રકાર B.1.1.529 તા.9 નવેમ્બરના રોજ પ્રથમ વખત સેમ્પલ માટે લેવામાં આવ્યો હતો. જેની પુષ્ટિ તા.25 નવેમ્બરે થઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 26 નવેમ્બરના રોજ કોવિડ-19ના આ પ્રકારનું નામ B.1.1.529 રાખવામાં આવ્યું હતું. પછી ઓમિક્રોનને લઈને દુનિયાભરના રાષ્ટ્રની ચિંતા વધી ગઈ છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પોતાનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ વાયરસ અત્યાર સુધી 89 દેશોમાં પહોંચી ચુક્યો છે. ખાસ કરીને બ્રિટનની સ્થિતિને સૌથી વધારે ગંભીર માનવામાં આવે છે. રશિયામાં કોરોનાનો કહેર યથાવત છે. જર્મનીએ બ્રિટનથી આવતા લોકોને ક્વોરેન્ટીન કરવાના આદેશ આપ્યા છે. જોકે, બ્રિટનમાં અનેક લોકોનું ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે. એક બાજું ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે. એવામાં લોકોએ પોતાના સ્વયંશિસ્તથી સમજવું પડશે. અન્યથા આ સંક્રમણ અનેક દેશની ચિંતા વધારશે.

