રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાના કેસમાં હજું તપાસ ચાલું છે. મુખ્ય આરોપી પકડાયા બાદ અનેક મોરચે એની પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં પ્રિન્ટિગ પ્રેસની ભૂમિકા પણ ધ્યાને આવી છે. આ કંપનીએ ગુજરાત યુનિવર્સિટી અને એ પહેલા રાજકોટ મહાનગર પાલિકામાં પણ આઠ વર્ષ સુધી ભરતી માટેની પરીક્ષા લીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલો સામે આવતા રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના શહેરીજનોમાં એવી પણ ચર્ચા છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં થયેલી ભરતીમાં તો કૌભાંડ નથી ને?
જવાબદારો અને કેટલાક વફાદારોએ આ મામલે ધ્યાન દોર્યું હતું. પણ એજન્સીની ભેદી પરીક્ષા ચાલું રહી હતી. આ મામલે હવે કોંગ્રેસે સવાલ ઊઠવ્યા છે. કોંગ્રેસ આ જૂના પ્રકરણ પર ધૂળ ખંખેરી સત્ય હકીકત સામે લાવવા માટે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે. મનપાએ ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલી ખાનગી એજન્સીની વર્ષ 2011થી 2019 સુધીની માહિતી માગી છે. આ અંગેની તમામ પ્રકારની વિગત માંગવામાં આવી છે. કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલી ખાનગી એજન્સી બાબતે વિવિધ મુદ્દાઓની માહિતી 48 કલાકમાં આપવા અને ભરતી કૌભાંડમાં મનપાના ક્યાં અધિકારીની સંડોવણી છે તેની વિગતો આપવા અંગેની લેખિત રજૂઆત કરી છે.
આં એજન્સી દ્વારા અગાઉ પણ પીડીએફના બદલે એક્સેલમાં પરિણામ આપવામાં આવતું હોવાથી વાંધા ઉઠ્યા હતા .તેમ છતાં જનરલ બોર્ડ કે RTIમાં કોઇ માહિતી આપવામાં આવી ન હતી. રાજકોટમાં આ સમયગાળા દરમિયાન થયેલી ભરતીઓ પણ હવે ચર્ચામાં આવી ગઇ છે.
રાજકોટ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સીને ક્યારે નિયત કરવામાં આવેલ?
- આ ખાનગી એજન્સીનું નામ અને સરનામાં
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી નિયત કરવા માટે ક્યાં દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી?
- મહાનગરપાલિકામાં વિવિધ ભરતી પ્રક્રિયા માટે ટેન્ડર પ્રક્રિયા કરનાર જવાબદાર અધિકારીના નામ અને હોદા
- સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અને એજન્ડાની નકલ
- આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ કેટલી એજન્સીઓએ ભાગ લીધેલો હતો
- મનપા સાથે થયેલા કરારની વિગતો અને વર્ક ઓર્ડરની નકલ આપવી
- વર્ષ 2011થી વર્ષ 2019 સુધી વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સીએ લેવામાં આવેલ પરીક્ષાઓની તારીખો
- આ એજન્સીને મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવેલ નાણાની વિગત અને એજન્સી દ્વારા મુકવામાં આવેલ બિલોની વિગત
- 2011થી 2019 સુધીમાં ભરતી પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચની વિગતો
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી સાથે પરીક્ષાની કાર્ય પદ્ધતિ તેમજ ગોપનીયતાની શરતો
- વિવિધ ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સી દ્વારા ક્યા ફોર્મેટમાં પરીક્ષાના પરિણામો આપવામાં આવેલ છે તેની માહિતી આપવી
- ભરતી પ્રક્રિયા માટે એજન્સીની માહિતી મેળવવા સામાન્ય સભામાં વર્ષ 2015 થી 2021 સુધીમાં કેટલા કોર્પોરેટરોએ પ્રશ્ન પુછેલ છે

