સુરત, મંગળવાર
મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે’-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો. કાલીઘેલી ભાષામાં બાળક પોતાની વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. જો કે, આ બાળક કોણ છે ? ક્યાંનો છે.? તેનો પરિવાર કોણ છે ?
આ બાળક સુરતના કોસમાડા ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો રામ નીરવભાઈ કેવડિયા હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતાએ કહ્યું કે, સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો.. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.
રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય. તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારા સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે. રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું.

