ભારત વિરોધ ઝેર ઓકતી અને પાકિસ્તાનથી ઓપરેટ થતી 20 યુ-ટ્યુબ ચેનલ અને બે વેબસાઈટ ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંઘ લગાવ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનથી ઓપરેટ થતી ચેનલ અને વેબસાઈટ ભારત સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ ઉપર ખોટા ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યાં છે.

આ અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ઈન્ટરનેટ ઉપર કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ, રામ મંદિર, સીડીએસ બિપીન રાવતના હેલિકોપ્ટર ક્રેશ જેવા મુદ્દાઓ ઉપર યુ-ટ્યુબ ચેનલો અને વેબસાઈટ ઉપર ખોટા ન્યુઝ મુકાયા છે. સરકારે જે યુ-ટ્યુબ ચેનલો ઉપર પ્રતિબંધ મુક્યો છે તેમાં ધી પંચ લાઈન, ઈન્ટરનેશનલ વેબ ન્યુઝ, ખાલસા ટીવી, ધી નેકેટ ટ્રુથ, ન્યુઝ 24, 48 ન્યુઝ, હિસ્ટોરિકલ ફેક્ટ, પંજાબ વાયરલ, નયા પાકિસ્તાન ગ્લોબલ, કવર સ્ટોરી, ઈ-કોમર્સ, જુનૈદ હલીમ ઓફિશિયલ, જેન અલી ઓફિશિયલ, કાલ્પનિક, ગો ગ્લોબલ સહિતનાનો સમાવેશ કરાયો છે.

પાકિસ્તાનથી ઓપરેટ થતી નયા પાકિસ્તાન ગ્રુપ પાસે યુ-ટ્યુબ ચેનલ્સનું નેટવર્ક છે. આ ઉપરાંત અમુક યુ-ટ્યુબ ચેનલ પણ છે. અમુક યુ-ટ્યુબ ચેનલ પાકિસ્તાની ન્યુઝ એન્કર્સ દ્વારા પણ ચલાવાઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ સાઈટ્સની દેખરેખ કરતા ગ્રુપોમાં એક વસ્તુ સામે આવી છે કે, પાકિસ્તાનથી ભારત વિરૂદ્ધ સંપૂર્ણ પ્લાનિંગથી એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. અને દુષ્પ્રચાર રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે કારણ કે તેના દ્વારા ખોટી માહિતી ફેલાવાઈ રહી છે. જેની સામે કાર્યવાહી જરૂરી છે.

