ગાંધીનગર,સોમવાર
પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા. જ્યારે કેટલાક કાર્યકરોના માથા ફૂટ્યાં હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે બ્લડ રિપોર્ટ એકાદ કલાકમાં આવશે.
ગૃહમંત્રીએ પેપર ફૂટ્યું હોવાની વાત સ્વીકારતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે આજે આપના કાર્યકરોએ ભાજપના કોબા સ્થિત કમલમ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ આપ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જ્યારે પોલીસે પણ આપના નેતાઓ અને કાર્યકરોને માર માર્યો હતો. તેમજ ભાજપની મહિલા કાર્યકરો અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જો કે ભાજપે આ ઘર્ષણમાં મહિલા કાર્યકરોને આગળ ધરી હતી. ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, આપના નેતાઓ નશાની હાલતમાં હતા, હું તેમને ડિબેટના માધ્યમથી ઓળખું છું એટલે પોલીસ ફરિયાદ આપી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ આ લોકોએ ખૂબ તોડફોડ કરી નખ માર્યાં છે. ખૂબ અભદ્ર વર્તન કર્યું છે.ઇસુદાન ગઢવી પર છેડતીનો આરોપ મુકતા જ ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે બ્લડ રિપોર્ટ એકાદ કલાકમાં આવશે.
પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કર્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર બર્બરતાપૂર્ણ હુમલો બેહદ નિંદનીય છે, જનતાના હકના અવાજને લાકડી-દંડાઓ કે સરમુખત્યારશાહીથી દબાવી શકાય નહીં.

