રાજકોટ,સોમવાર
21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે ખોડલધામ પાટોત્સવના નામે નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે હાલ નરેશ પટેલ દરેક જિલ્લામાં પાટીદારોનો સંપર્ક કરીને આગામી ચૂંટણી લડવી કે નહીં તેનો તાગ મેળવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
આજથી 15 દિવસ પહેલા નરેશ પટેલ લોધિકા તાલુકામાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમાજની બહેનો દ્વારા ફૂલની જાજમ પાથરવામાં આવી હતી. તેમજ પાટોત્સવ લખેલી રંગોળી પણ દોરવામાં આવી હતી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ગુજરાતના રાજકરણમાં પોતાના નિવેદનોથી ગરમાવો જગાવી રહ્યા છે.

