જયપુર, શુક્રવાર
રાજસ્થાનના નાગૌર જિલ્લાના મકરાણાથી ભાજપના ધારાસભ્ય રૂપારામ મુરાવતિયાએ ભ્રષ્ટાચારને લઈને પોતાની જ પાર્ટીને આડે હાથ લીધી છે. નાગૌર જિલ્લા મુખ્યમથક પર જનઆક્રોશ આંદોલનની સભાને તેમણે સંબોધિત કરી હતી. તે દરમિયાન રૂપારામે કહ્યુ હતુ કે આજે કોંગ્રેસ ભ્રષ્ટાચારથી ભરેલી છે. પરંતુ અમારી પાર્ટી પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ તો કહ્યુ છે કે ન ખાઈશ, ન ખાવા દઈશ. પરંતુ અમારી પાર્ટીના ઘણાં મોટા નેતા આ વાત પર અમલ કરી શકતા નથી.
રૂપારામે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યુ કે કોંગ્રેસે જે વાયદા કર્યા હતા, તે તો પુરા થયા નથી. પરતુ જે વાયદા ન હતા કર્યા તે જરૂર પુરા કરી નાખ્યા. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુ કે કોંગ્રેસ ભ્રષ્ટાચારથી ભરેલી છે. પરંતુ આ પણ સાચું છે કે ભાજપ પણ ભ્રષ્ટાચારથી અછૂતી નથી. રૂપારામે કહ્યુ હતુકે 70 વર્ષમાં દેશને એક એવા વડાપ્રધાન મળ્યા છે, જેઓ કહે છે કે ન ખાઈશ, ન ખાવા દઈશ. પરંતુ અમારી પાર્ટીના કેટલાક મોટા નેતા આ વાત પર અમલ કરી શકતા નથી. તેમણે કહ્યુ કે જ્યારે મોકો આવ્યો, ખૂબ ખાધું ખૂબ પીધું. જ્યારે દોષ આપવાનો મોકો આવ્યો, તો એકબીજા પર ઢોળી દીધો. તેમણે ભાજપના તમામ મોટા નેતાઓ અને કાર્યકર્તાઓને સચ્ચાઈ અને અચ્છાઈ સાથે આગળ વધવા માટે જણાવ્યું છે.
ભાજપના ધારાસભ્ય રૂપારામ મુરાવતિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ બક્ષ્યા નથી. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધી, સીધા અને ભોળા વ્યક્તિ છે. લોકોએ તેમને ભ્રમિત કરી દીધા છે. આવા સીધાસાધાએ ઘરનું કામ કરવું જોઈએ. રાજનીતિમાં ટાંગ અડાવીને દેશનું શા માટે નુકસાન કરી રહ્યા છે. ધારાસભ્ય મુરાવતિયાએ સવાલ કર્યો છે કે જેમાં માતૃત્વ નથી, તે માતા કેવી રીતે હોઈ શકે છે. જેમાં હિંદુત્વ નથી, તે હિંદુ કેવી રીતે હોઈ શકે છે. જેમાં રાષ્ટ્રીયતા નથી, તે રાષ્ટ્ર કેવી રીતે હોઈ શકે છે. જેમાં ઈન્સાનિયત નથી, તે ઈન્સાન નથી. રૂપારામે કહ્યુ હતુ કે ભૂલ રાહુલ ગાંધીની નથી, જેમણે ભાષણ લખીને આપ્યું તેની ભૂલ છે.

