ગાંધીનગર,શુક્રવાર
ગૌણ સેવા મંડળ દ્વાર ગત રવિવારે લેવામાં આવેલ હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્યમાં ઘમાસાણ મચ્યું હતું અને આખરે છ દિવસ બાદ રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે, પેપર લીક થયું હતું. આ કેસમાં અગાઉ મંડળના ચેરમેન અસિત વોરા એવું કહેતા હતા કે, અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી. જાે કે, ઉમેદવારોનો વિરોધ વધતાં અને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખના નેતા યુવરાજસિંહે પુરાવા આપતાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી ૬ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના ચાર આરોપીઓને શોધવા માટે જુદી જુદી ટીમો કામે લગાવી છે.
એક જ જિલ્લામાં ૩ ગ્રૃપમાં પેપર સોલ્વ કરાયું હતું અને તેનો મુખ્ય આરોપી જયેશ પટેલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, ત્રણ દિવસમાં અસિત વોરાનું રાજીનામું લેવામાં નહી આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. માત્ર આપ પાર્ટીએ જ નહી પણ પરીક્ષાની તૈયારી કરતા અનેક ઉમેદવારોએ અસિત વોરાના રાજીનામાની માંગણી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પેપરલીક કાંડમાં કોઈ આરોપીને છોડવામાં આવશે નહી, કડકમાં કડક સજા કરવામાં આવશે અને હાલ છ આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે અને આરોપીઓ સામે ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦ કલમ મુજબ ગુનો નોંધીને પોલીસે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનું બહાર આવ્યા બાદ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા ઉપર સતત માછલા ધોવાઈ રહ્યા છે. પહેલા તો અસિત વોરા છટકબારી શોધતા હતા કે અમને કોઈ પૂરાવા મળ્યા નથી. હવે એક પછી એક પૂરાવા સામે આવ્યા બાદ પેપરકાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને છ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે ત્યારે અસિત વોરાની બોલતી બંધ થઈ ગઈ છે. પેપરલીક કાંડમાં અસિત વોરાની ભૂમિકા શંકાસ્પદ હોવાના પણ અગાઉ આક્ષેપ કરાયા છે. પ્રાંતિજના ઊંછા ફાર્મ હાઉસમાં પેપર લીક થયું હતું અને ૧૫ લાખમાં પેપર વેચાયું હતું. પેપરકાંડમાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ છે. એક જ જિલ્લામાં 3 ગ્રૃપમાં પેપર સોલ્વ કરાયું હતું. જેમણે પેપર આપ્યા હતા તે ઉમેદવારોના મોબાઈલ ફોન પ્રાંતિજની વિનય હોટલ પાસે સ્વીચ ઓફ કરાયા હતા.
આરોપીઓના નામ
જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઊંછા, તા.પ્રાંતિજ)
જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ (ઊંછા.તા.પ્રાંતિજ)
દેવલ જશવંતભાઈ પટેલ (ઊંછા, તા.પ્રાંતિજ)
ધ્રુવ ભરતભાઈ બારોટ (બેરણા,હિંમતનગર)
મહેશકુમાર કમલેશભાઈ પટેલ ( રાણિપ, મૂળ રહે.કાણિયોલ)
ચિંતન પ્રવિણભાઈ પટેલ ( વદરાડ, તા.પ્રાંતિજ)
કુલદીપકુમાર નલીનભાઈ પટેલ (કાંણિયોલ, હિંમતનગર)
દર્શન કિરીટકુમાર વ્યાસ (મહાવીરનગર, હિંમતનગર)
સતિષ ઉર્ફે હેપ્પી પટેલ ( પાટનાકૂવા, તલોદ)
સુરેશ રમણભાઈ પટેલ ( તાજપુરી કુડોલ, હિંમતનગર)
મહેન્દ્રભાઈ એસ પટેલ (પોગલુ, તા.પ્રાંતિજ)

