મોડાસા, શુક્રવાર
સરકારી કચેરીઓમાં અને કચેરીની બહાર વચેટિયાઓનો ત્રાસ હદ બહાર વધી ગયો છે અને જાહેર જનતાને તેઓ ગરજ પ્રમાણે લૂંટી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા સેવાસદનમાં પણ વચેટિયાઓના ત્રાસે માઝા મૂકી હતી, જેનો અહેવાલ WEU NETWORKમાં આવ્યા બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ત્યાં દોડી ગયા હતા અને વચેટિયાઓને પ્રવેશવા ન દેવાની સૂચના આપવા સહિતની કાર્યવાહી કરી હતી. દહેગામની પહેલા મહેસુલ મંત્રીએ અમદાવાદની એક કચેરીમાં પણ રેડ કરીને આખેઆખા સ્ટાફની બદલીના હૂકમો કર્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરના દહેગામ પછી હવે અરવલ્લી જિલ્લામાં તો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગેનું જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવું પડે ત્યારે એ જિલ્લાની સરકારી કચેરીઓમાં વચેટિયાઓનો ત્રાસ કેટલી હદ સુધી વધી ગયો હશે એ કલ્પી શકાય છે.
અરવલ્લીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડે બહાર પાડેલા આ જાહેરનામામાં જણાવ્યું છે કે, ‘અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલી સરકારી કચેરીઓમાં રોજેરોજ મોટા પ્રમાણમાં લોકો પોતાના કામ માટે આવતા હોય છે. તાજેતરમાં કેટલાંક બનાવો પરથી સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાંક ઇસમો એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપિંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિઓ કરી રહેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ તમામ મહેસૂલી કચેરીઓ ખાતે પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યકિતઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલ હોય તેવા ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો અમલ તા .17 ડિસેમ્બર-2021થી તા.14 ફેબ્રુઆરી-2022 સુધીનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે તથા આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે જે તે કચેરીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ તથા પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારી ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.’

