અમદાવાદ, ગુરુવાર
શિયાળાની હવે પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. કોલ્ડ વેવની અસરને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ પહોંચી જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. આજે નલિયા સિઝનમાં પહેલીવાર 3.8 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઇ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન પણ 14.1 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ સવારે કડકડતી ઠંડીનો અહેસાસકર્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, કોલ્ડ વેવની અસર ઉપરાંત, ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેશે. જો કે, મહિનાના અંતમાં ઠંડી વધવાની વકી છે.
દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. કોલ્ડ વેવની અસરને કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં ત્રણ લઇ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. રવિવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ 12 ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી. ત્યારે ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 2૦૦ મિટર દુરનું પણ દ્રષ્ય સાફ ન દેખાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વિવિધ શહેરના તાપમાન…
અમદાવાદ 14.1
અમરેલી 10
વડોદરા 14.8
ભૂજ 9
દમણ 16.8
ડીસા 12.4
દીવ 14.2
દ્વારકા 15.3
જુનાગઢ 10
કંડલા 10.5
નલિયા 3.8
પાટણ 12.4
પોરબંદર 11.4
રાજકોટ 10.3
ગીર 15.9
સુરત 16.8

