HomeNationalપંજાબમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થશે ભજ્જી ? નવજોતસિંહ સિદ્ધૂએ મુલાકાતની તસવીર...

પંજાબમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થશે ભજ્જી ? નવજોતસિંહ સિદ્ધૂએ મુલાકાતની તસવીર સાથે કર્યો ઈશારો

ચંદીગઢ, બુધવાર

   પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા શું ક્રિકેટર હરભજનસિંહ કોંગ્રેસમાં સામેલ થશે? પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધૂએ હરભજનસિંહ સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેયર કરી છે. અટકળો માટે તો આ તસવીર જ પુરતી હતી. પરંતુ સિદ્ધૂએ તસવીરની સાથે જે કેપ્શન લખ્યું છે, તેનાથી અટકળોને વધુ બળ મળ્યું છે. કોંગ્રેસના નેતાએ આ તસવીરને સંભાવનાઓથી ભરેલી દર્શાવી છે.

   જણાવવામાં આવે છે કે દેશ માટે રમી ચુકેલા બંને ક્રિકેટરોની મુલાકાત બાદ ભજ્જીની નવી રાજકીય કારકિર્દી શરૂ થવાની સંભાવના છે. નવજોતસિંહ સિદ્ધૂ પણ રાજનીતિમાં આવ્યા પહેલા ક્રિકેટર અને કોમેન્ટેટર રહ્યા છે. પંજાબ કોંગ્રેસની કમાન સંભાળી રહેલા સિદ્ધૂએ ટ્વિટર પર ભજ્જી સાથે તસવીર શેયર કરતા લખ્યું છે કે સંભાવનાઓથી ભરેલી તસવીર. ભજ્જી, ચમકતા સિતારાની સાથે. ભજ્જીની રાજનીતિમાં આવવાની અટકળો નવી નથી. તાજેતરમાં હરભજનસિંહે ભાજપમાં સામેલ થવાની ચર્ચાઓનું ખંડન કર્યું હતું.

   થોડાક દિવસો પહેલા જ અટકળો હતી કે ભાજપ હરભજનસિંહ અને યુવરાજસિંહ જેવા ખેલાડીઓ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીમાં સામેલ કરી શકે છે. જો કે હરભજનસિંહે ટ્વિટર પર આનું ખંડન કરતા ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. કથિતપણે 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે હરભજનસિંહને અમૃતસર લોકસભા બેઠક પરથી ઉતારવાની કોશિશ કરી હતી. તે સમયે ક્રિકેટરે વાતચીતનો સ્વીકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે તે એ વાતને લઈને નિશ્ચિંત નથી કે આ રાજનીતિમાં આવવાનો યોગ્ય સમય છે અથવા નહીં. ઘણાં દિવસોથી આંતરીક કલેશ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે આ વખતે પંજાબમાં રાજકીય પડકાર ઘણો મોટો છે. તાજેતરમાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસ છોડીને પોતાની નવી પાર્ટી બનાવી લીધી છે. તેના સિવાય આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ પાસેથી પંજાબમાં સત્તા આંચકી લેવા માટે પુરા દમખમથી મેદાનમાં છે. આના સિવાય અકાલીદળ ગઠબંધન અને ભાજપ પણ ચૂંટણી અખાડામાં છે. પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW