નવી દિલ્હી, મંગળવાર
પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાનું ઓપરેશન ગ્લાઈડર ડિકોડ થઈ ગયું છે. આ પ્રકારે પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવાર ઉઘાડી પડી છે. શિયાળામાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી માટે ગ્લાઈડરના ઉપયોગની આશંકા વ્યક્ત કરાય છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ વાતને લઈને મોટો ખુલાસો થયો છે. જેવો આ રિપોર્ટ સામે આવ્યો, બોર્ડર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આઈબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, તેના પ્રમાણે લાઈન ઓફ કંટ્રોલની નજીક બનેલા લોન્ચ પેડ પર ગ્લાઈડર દ્વારા આતંકી વિસ્ફોટક મોકલવાની નાપાક સાજિશ રચી રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આતંકવાદીઓને સિંગલ રાઈડરવાળા ગ્લાઈડર ઉપલબ્ધ કરાવી રહી છે. તેની મદદથી 20 કિલોગ્રામ સુધીનો વિસ્ફોટક મોકલી શકાય છે. વિસ્ફોટક સિવાય એકે-47 રાઈફલ મોકલવાની પણ સાજિશ છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓ પ્રમાણે, લોન્ચિંગ પેડથી લોન્ચ કરવામાં આવેલા આ ગ્લાઈડર 600 મીટરથી લઈને 1200 મીટર સુધી અંદર દાખલ કરી શકાય છે. આઈએસઆઈ આતંકીઓને જે ગ્લાઈડર ઉપલબ્ધ કરાવી રહી છે, તે 50થી 100 મીટરની ઊંચાઈ સુધી ઉડી શકે છે. રિપોર્ટ પ્રમાણે, તાલિબાનની મદદ માટે પાકિસ્તાનથી ગયેલા લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 8000થી વધારે આતંકીઓને પીઓકેના આતંકી કેમ્પોમાં ઉતારો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્સીઓને આશંકા છે કે આ આતંકીઓને પીઓકેના માર્ગે કાશ્મીરમાં ઘૂસાડવામાં આવે તેવી શક્યતા છે.

