ગાંધીનગર,સોમવાર
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના 6 વર્ષ પૂરા થયા બાદ પણ હજુ ૧૪૦ જેટલા પોલીસ કેસ પાછા ખેંચાયા નથી અને જેના કારણે રાજ્ય સરકાર ઉપર પાટીદાર સમાજ દબાણ લાવી રહ્યો છે. કેસ પાછા ખેંચવા માટે પાટીદાર નેતાઓમાં હોડ લાગી છે અને કોણ જશ લઈ જાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. જાે કે, સામે ભાજપ એવું કદાપિ ઈચ્છતો નથી કે આંદોલનકારી નેતાઓ કે નરેશ પટેલ જશ લઈ જાય. તાજેતરમાં જ ભાજપના પાટીદાર સંસદસભ્યો અચાનક પ્રગટ થયા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં પાટીદાર ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને પોલીસ કેસ પાછા ખેંચવા મામલે રજૂઆત કરે તેવી ગોઠવણ કરાઈ છે. આખી સ્ક્રિપ્ટ દિલ્હી દરબારમાં લખાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેનો જશ માત્રને માત્ર ભાજપને જ મળે તે માટેની પૂરતી કાળજી રાખવામાં આવી છે.
ખોડલધામના નરેશ પટેલ અગાઉ કેસ પાછા ખેંચવાને લઈ નિવેદન આપી ચૂક્યા છે અને તાજેતરમાં તેઓ પણ મુખ્યમંત્રીને મળ્યા હતા અને તેમની સાથે આંદોલનકારી નવા ચહેરા પણ જાેડાયા હતા. પાટીદાર અનામત આંદોલનના છ વર્ષ બાદ 140 કેસ પાછા ખેંચવાને લઈ ભાજપની સરકાર કોણીએ ગોળ લગાડી રહી હોવાનું પાટીદારોને લાગી રહ્યું છે. પોલીસ કેસ પાછા ખેંચવાને લઈ સરકારે આશ્વાસનો તો અનેક આપ્યા છે પણ હજુ સુધી કેસ પાછા ખેંચાયા નથી અને તેના કારણે પાટીદાર સમાજમાં નારાજગી વધી રહી છે. ખોડલધામના નરેશ પટેલથી લઈ અનેક પાટીદાર સંસ્થાઓ પોલીસ કેસ પાછા ખેંચવા ઉપર ભાર મૂકી રહી છે પણ રાજ્ય સરકાર હજુ પણ આશ્વાસન આપી રહી છે.
સમગ્ર મામલો પેચીદો બન્યો એટલા માટે બન્યો છે કે, ભાજપ કોઈ પણ પાટીદાર અગ્રણીને કે યુવા આંદોલનકારીઓને આનો જશ આપવા માગતો નથી. પાટીદાર સમાજના અગ્રણીઓની રજૂઆત બાદ પોલીસ કેસ પાછા ખેંચાય તો તેમનું રાજકીય વજન વધી શકે તેમ છે અને એ ભાજપને કદાપિ મંજૂર નથી. આથી ભાજપે રાતોરાત પાટીદાર સંસદસભ્યોને ગાંધીનગર ઉતાર્યા હતા અને મુખ્યમંત્રીને મળ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના પાટીદાર ધારાસભ્યો પણ પોલીસ કેસ પાછા ખેંચવા મામલે મુખ્યમંત્રીને મળશે તેવી ગોઠવણ કરાઈ છે અને એક રીતે ભાજપના ધારાસભ્યો જ જશ લઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાટીદાર સમાજના કોઈ યુવા આંદોલનકારી ચહેરાનું મહત્વ વધે તે ભાજપને જરાય મંજૂર નથી.
હાર્દિક પટેલ સામેના કેસ મુદ્દે નરો વા કુંજરો વા
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાેડાયો છે અને તેની સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયેલા છે. આ મામલે અગાઉ સંસદસભ્યોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી ત્યારે હાર્દિક સામેના કેસ પાછા ખેંચાશે કે કેમ તે વિશે નરો વા કુંરજાે વા કર્યું હતું. હાર્દિક સામેના કેસ પાછા ખેંચાય તો કોંગ્રેસ તેનો રાજકીય ઉપયોગ કરી શકે છે તેવો ભાજપને ડર છે અને કેસ પાછા ખેંચાય તો હાર્દિક ગુજરાત બહાર પણ જઈ શકે તેમ છે. ભાજપ એવું ઈચ્છી રહ્યો છે કે, અન્ય પાટીદાર અગ્રણીઓ સામેના કેસ પાછા ખેંચાય તો ચાલશે પણ હાર્દિક સામેના કેસ પાછા ખેંચાવા જાેઈએ નહી. સામી વિધાનસભાની ચૂંટણીએ હાર્દિક સામેના કેસ પાછા ખેંચાય તો કોંગ્રેસને તેનો લાભ મળી શકે તેમ હોવાનું ગણિત ભાજપ માંડી રહ્યો છે.

