અમદાવાદ, સોમવાર
રાજ્યમાં ચાલુ વર્ષે 21 નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 9781 કેસ નોંધાયા છે, જેમાં 3 દર્દીએ જીવ ગુમાવ્યો છે. 2021માં કેસોના મામલે ગુજરાત સાતમા સ્થાને છે. છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 27 લોકોએ ડેન્ગ્યુને કારણે જીવ ગુમાવ્યો છે, જેમાં સૌથી વધુ 2019માં 17નાં મોત થયાં હતાં. વાહકજન્ય રોગો સામે લડવા કેન્દ્રની આર્થિક સહાય મેળવવાના મામલે રાજ્ય આ વર્ષે ત્રીજા સ્થાને છે. 31 ઓક્ટોબર સુધીમાં રાજ્યને 16.91 કરોડ ફંડ મળ્યું છે, પરંતુ 2020-21માં રાજ્યને એક પણ રૂપિયાની સહાય મળી ન હતી. લોકસભામાં 3 ડિસેમ્બરે આરોગ્ય-પરિવાર કલ્યાણના રાજ્યમંત્રી ડૉ. ભારતી પવારે ડેન્ગ્યુ કેસ અને મોતના આંકડા રજૂ કર્યા હતા, જેમાં દેશમાં સૌથી વધુ 27,506 કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે.
ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગ સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી ચાલુ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 16.91 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે છેલ્લા ચાર વર્ષની તુલનામાં સૌથી વધારે છે. 2019-20માં 15.39 કરોડ અને 2018-19માં 11.02 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. દેશમાં ચાલુ વર્ષે વિવિધ રાજ્યોને કુલ 101.74 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ આંધ્ર પ્રદેશને 21.82 કરોડ અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશને 18.79 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફંડ મેળવવા મામલે ગુજરાત ત્રીજા સ્થાને છે.(તસ્વીર પ્રતિકાત્મક છે)

