HomeNationalકાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરતા PM મોદીએ કહ્યુ- કાશીમાં બધુ થાય છે...

કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરતા PM મોદીએ કહ્યુ- કાશીમાં બધુ થાય છે મહાદેવની કૃપાથી, અહીં માત્ર ડમરુવાળાની સરકાર

વારાણસી, સોમવાર

  આજે વારણસીમાં કાશી વિશ્વનાથ ધામના નવા પરિસરનું લોકાર્પણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના કરી છે અને મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન પણ કર્યું છે. તેમણે આ શ્રમિકો સાથે સીડીઓ પર બેસીને તસવીર પણ ખેંચાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્માચાર્યો અને વિશિષ્ટ લોકો સાથે સંવાદ પણ કર્યો છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં નવા બનેલા કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ પણ કર્યું છે. તેનું શુભ મુહૂર્ત રેવતી નક્ષત્રમાં બપોરે 1.37થી1.57 કલાક સુધી 20 મિનિટનું હતું. મોદીએ પોતાના ભાષણની શરૂઆત બાબા વિશ્વનાથને પ્રણામ કરીને કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મારા પ્યારા કાશીવાસીઓ અને દેશવિદેશમાંથી આ અવસરના સાક્ષી બની રહેલા તમામ શ્રદ્ધાળુજનો. બાબા વિશ્વનાથના ચરણોમાં આપણે માથું નમનાવીએ છીએ. માતા અન્નપૂર્ણના ચરણોને વારંવાર વંદન કરીએ છીએ. હજી હું બાબાની સાથે સાથે નગર કોતલવા બાબા કાલ ભૈરવજીના દર્શન કરીને આવી રહ્યો છું. દેશવાસીઓ માટે તેમના આશિર્વાદ લઈને આવી રહ્યો છું. કાશીમાં કંઈપણ ખાસ હોય, કંઈપણ નવું હોય તો સૌથી પહેલા તેમને પુછવું જરૂરી છે. હું કાશીના કોતવાલના ચરણોમાં પણ પ્રણામ કરું છું.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે કાશીવાસીઓને પ્રણામ કે જેમના સહયોગથી આ ઘડી આવી છે. તમે બધાં લોકોને ખૂબખૂબ અભિનંદન. જેવું કોઈ કાશીમાં પ્રવેશ કરે છે, તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. એક અલૌકિક ઊર્જા આપણા અંતરાત્માને જાગ્રત કરી દે છે. તમને આ ચિરચૈતન્ય કાશીની ચેતમાં અલગ જ સ્પંદન અનુભવાય છે. એક અલગ આભા છે. આજે બનારસના સંકલ્પોમાં અલગ જ સામર્થ્ય જોવા મળી રહ્યું છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે જ્યારે પણ કોઈ શુભ અવસર હોય છે, તો તમામ દૈવીય શક્તિઓ બનારસમાં બાબાની પાસે ઉપસ્થિત થઈ જાય છે. કંઈક આવો જ અનુભવ આજે મને બાબાના દરબારમાં આવીને થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આપણું આખું ચૈતન્ય બ્રહ્માંડ આની સાથે જોડાયેલું છે. આમ તો પોતાની માયાનો વિસ્તાર બાબા જ જાણે. જ્યાં સુધી માનવીય દ્રષ્ટિ જાય છે. વિશ્વનાથ ધામને સમય પર પૂર્ણ કરવાથી આખું વિશ્વ જોડાય છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. વિક્રમ સંવત 2078, દશમી તિથિ એક નવો ઈતિહાસ રચી રહી છે.

  તેમણે કહ્યુ છે કે આજે વિશ્વનાથ ધામ અકલ્પનીય અને અનંત ઊર્જાથી ભરેલું છે. તેનો વૈભવ વિસ્તારી રહ્યો છે. તેની વિશેષતા આકાશને આંબી રહી છે. અહીં આસપાસ જે અનેક પ્રાચીન મંદિરો લુપ્ત થઈ ગયા હતા, તેમને પણ પુનર્સ્થાપિત કરાયા છે. વિશ્વનાથ ધામનું આ આખું નવું પરિસર એક ભવ્ય ભવન માત્ર નથી, આ આપણી સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક ઊર્જા, ગતિશીલતા, પરંપરાઓનું પ્રતીક છે. તમને અહીં માત્ર આસ્થાનાદર્શન નહીં થાય. તમને અતીતનું ગૌરવ પણ અનુભવાશે. પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે. પુરાતન પ્રેરણાઓ ભવિષ્યને દિશાઓ આપી રહી છે. તેના સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણે કરી રહ્યા છીએ.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ગંગા ઉત્તરવાહિની બનીને વિશ્વનાથના પગ પખાળવા આવે છે, તે પણ ઘણાં પ્રસન્ન થશે. માતા ગંગાને સ્પર્શ કરતી હવા બાબાને પ્રણામ કરતી વખતે સ્નેહ આપશે. ગંગા ઉન્મુક્ત થશે, તો બાબાને ધ્યાનમાં ગંગતરંગોની કલકલનો દૈવીય અનુભવ પણ થશે. બાબા વિશ્વનાથ સૌના છે, માતા ગંગા સૌના છે. તેના આશિર્વાદ સૌના માટે છે. સમય અને પરિસ્થિતિઓને કારણે બાબા અને ગંગાની સેવાની આ સુલભતા મુશ્કેલ થઈ ગઈ હતી. પરંતુ માર્ગોની કઠિનતા થઈ ગઈ હતી.

   વિશ્વનાથ ધામના પૂર્ણથવાથી અહીં દરેક માટે પહોંચવું સુગમ થઈ ગયું છે. આપણા વૃદ્ધ માતાપિતા બોટથી જેટી સુધી આવશે, જેટીથી એક્સેલેટર છે. અહીંથી મંદિર સુધી આવશે. દર્શન માટે કલાકોનો ઈન્તજાર અને પરેશાની હવે ઓછી થશે. પહેલા અહીં મંદિર ક્ષેત્ર માત્ર ત્રણ હજાર વર્ગફૂટનું હતું. તે હવે લગભગ 5 લાખ વર્ગ ફૂટનું થઈ ગયું છે.

  વડાપ્રધાને કહ્યુ છે કે હવે મંદિર પરિસરમાં 60થી 70 હજાર શ્રદ્ધાળુઓ આવી શકે છે. આ જ તો છે હર હર મહાદેવ. જ્યારે હું બનારસ આવ્યો હતો, તો એક વિશ્વાસ લઈને આવ્યો હતો. વિશ્વાસ મારા કરતા વધુ બનારસના લોકો પર હતો. તમારા પર હતો. આજે હિસાબ-કિતાબનો સમય નથી. પરંતુ મને યાદ છે કે ત્યારે કેટલાક લોકો પણ હતા કે જે બનારસના લોકો પર શંકા કરતા હતા. કેવી રીતે થશે, થશે જ નહીં, અહીં તો આવું જ ચાલે છે, મોદી જેવા ઘણાં આવીને ચાલ્યા ગયા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મને આશ્ચર્ય હતું કે બનારસ માટે આવી ધારણાઓ બનાવી લેવામાં આવી હતી. એવા તર્ક અપાયા હતા. આ જડતા બનારસની ન હતી. હોઈ પણ શકે નહીં. થોડી ઘણી રાજનીતિ હતી. સ્વાર્થ હતો. માટે બનારસ પર આરોપ લગાવાય રહ્યો હતો. પરંતુ કાશી તો કાશી છે. કાશી તો અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેમના હાથમાં ડમરુ છે, તેમની સરકાર છે.

   વડાપ્રધાને કહ્યુ હતુ કે જ્યાં ગંગા ધારા બદલીને વહેતી હોય, તે કાશીને કોણ રોકી શકે છે. ભગવાન શંકરે ખુદ કહ્યુ છે કે મારી પ્રસન્નતા વગર કાશીમાં કોણ આવી શકે છે, કોણ તેનું સેવન કરી શકે છે. કાશીમાં મહાદેવની ઈચ્છા વગર કોઈ આવે છે અને ન તો તેમની ઈચ્છા વગર કંઈ થાય છે. અહીં જે કંઈ થાય છે, મહાદેવની ઈચ્છાથી થાય છે. આ જે પણ કંઈ થયું છે, તે મહાદેવે જ કર્યું છે.

   મોદીએ કહ્યુ છે કે બાબાની સાથે કોઈ અન્યનું યોગદાન છે, તો તે બાબાના ગામનું છે. બાબાના ગણ એટલે કે આપણા તમામ કાશીવાસી, જે ખુદ મહાદેવનું રૂપ છે. જ્યારે બાબાને પોતાની શક્તિ દેખાડવાની હોય છે, તો કાશીવાસીઓને માધ્યમ બનાવી દે છે. પછી કાશી કરે છે અને દુનિયા જોવે છે. ઈદમ શિવાય, ઈદમ ન મમ.

  તેમણે કહ્યુ કે હું આજે આપણા દરેક શ્રમિક ભાઈબહેનોનો પણ આભાર માનું છું, જેમનો પરસેવો આ ભવ્ય પરિસરના નિર્માણમાં છે. કોરોનાના વિપરીત કાળમાં પણ તેમણે અહીં કામ થંભવા દીધું નથી. મને હાલ આ સાથીઓને મળવાનો અવસર મળ્યો. તેમના આશિર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું.આપણા કારીગર, પ્રશાસનના લોકો, પરિવાર, હું તમામનું અભિનંદન કરું છું. હું યુપી સરકાર અને આદિત્યનાથજીનું પણ અભિનંદન કરું છું.જેમણે કાશી વિશ્વનાથ યોજના માટે દિવસરાત એક કરી દીધા.

   બે દિવસના કાશી પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સવારે પોણા અગિયાર વાગ્યે રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એરપોર્ટ પર સ્વાગત કર્યું.સવા અગિયાર વાગ્યે વડાપ્રધાને કાળ ભૈરવ મંદિરમાં પૂજા કરીને અને પછી પગપાળા ખિડકિયા ઘાટ સુધી ગયા. અહીંથી મોદી ક્રૂઝમાં લલિતા ઘાટ પરહોંચ્યા હતા. લલિતા ઘાટમાં ગંગામાં ડૂબકી લગાવીને સૂર્ય ઉપાસના બાદ ગંગાજળ લઈને કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા. ગંગાજળથી તેમણે બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો. 900 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોરિડોરમાં 40થી વધુ મંદિરને સંરક્ષિત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW