નવી દિલ્હી, શુક્રવાર
ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના આજે અંતિમ સંસ્કાર થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક દિવસ પહેલા પાલમ એરપોર્ટ પર સીડીએસ, તેમના પત્ની અને 11 સૈન્યકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે 13 લોકોના નિધન થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા ગ્રુપ કેપ્ટન વરુણસિંહનો સેનાની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
જનરલ બિપિન રાવત સાથે હેલિકોપ્ટરમાં સવાર બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરની દિલ્હીના સ્ક્વાયર સ્મશાનઘાટ પર અંતિમ ક્રિયા થઈ રહી છે. બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરના પત્ની અને પુત્રીએ તેમને બરાર સ્ક્વેર ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ, સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણે, નૌસેનાધ્યક્ષ એડમિરલ આર. હરિકુમાર અને એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ બરાર સ્કેવર સ્મશાનઘાટ ખાતે બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ બ્રિગેડિયર લિડ્ડરને અહીં શ્રદ્ધાંજલિ આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જનરલ બિપિન રાવતને તેમના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ આપી છે. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને પણ અહીં રાખવામાં આવ્યો છે. અમિત શાહે તેમને પણ શ્રદ્ધાંજલિ આપી છે. સવારે 11 વાગ્યાથી સીડીએસ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યો છે. સવારે 11થી બપોરે 12.30 કલાક સુધી ગણમાન્ય લોકો શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં 12.30થી 2 વાગ્યા સુધી સૈન્યાધિકારીઓ તેમને આખરી વિદાય આપશે. બપોરે 2 વાગ્યે સીડીએસ રાવત અને તેમના પત્નીની અંતિમ યાત્રા શરૂ થશે અને બરાર સ્ક્વેર ખાતે બંનેની અંતિમ વિધિ થશે.

