ગાંધીનગર,ગુરૂવાર
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પદગ્રહણ કર્યા બાદ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યાં કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ભવન ખાતે બેઠકો ચાલી રહી છે અને વિધાનસભાની નબળી બેઠકો માટે વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવે તે દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે પણ શહેરી તેમજ અર્ધ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે અને તેમાં સુધારો થાય તે દિશામાં રણનીતિ ઘડવામાં આવી રહી છે. વિધાનસભાની 182માંથી 127 બેઠકો શહેરી અને અર્ધ શહેરી વિસ્તારની છે અને ત્યાં કોંગ્રેસ માર ખાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોની કુલ ૫૫ બેઠકો છે અને ત્યાં સારો દેખાવ કરવો એ કોંગ્રેસ માટે પડકારજનક છે. સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપનો ગઢ ગણાતો હતો તેમ છતાં પણ કોંગ્રેસે 2017માં અહીંની 54બેઠકોમાંથી 30 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે માંજ એકાદ વર્ષનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસે પણ પ્રમુખ તેમજ વિપક્ષી નેતાની નિમણૂક કરી દીધી છે. અપેક્ષા મુજબ કોંગ્રેસે ફાયર બ્રાન્ડ નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપી છે ત્યારે પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ જગદીશ ઠાકોરે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો હૂંકાર કર્યો છે અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ ચાલે છે અને તેમાં વિધાનસભાની નબળી બેઠકો ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. 2017માં કોંગ્રેસના હાથમાં સત્તા આવતા આવતા રહી ગઈ હતી અને થોડીક સીટો માટે પનો ટૂંકો પડ્યો હતો. 2022માં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોંગ્રેસ બહુમતી મેળવે તે માટે પ્રદેશ પ્રમુખ રણનીતિ ઘડી રહ્યા છે. જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં કાર્યકરોમાં પણ જાેમ અને જુસ્સો જાેવા મળ્યો છે. શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં નબળો દેખાવ એ કોંગ્રેસની મુખ્ય સમસ્યા છે અને એ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી અને અર્ધ શહેરી વિસ્તારની વિધાનસભાની 127 બેઠકો છે જે મહત્વપૂર્ણ છે અને ત્યાં જ કોંગ્રેસની પીછેહઠ થાય છે અને ભાજપ મેદાન મારી જાય છે. 2017માં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોની કુલ ૫૫ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 10 બેઠકો જ મળી હતી. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા સુરતમાં કોંગ્રેસને સારા દેખાવની આશા હતી પણ ભાજપ મેદાન મારી ગયો હતો. આ સિવાય અમદાવાદમાં પણ કોંગ્રેસનો દેખાવ ધારવા કરતા નબળો રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકોમાંથી કોંગ્રેસે 30 બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડાં પાડ્યાં હતા. 2022ની ચૂંટણીમાં ભૂતકાળની કોઈ ભૂલનું પુનરાવર્તન ન થાય અને કોંગ્રેસ 125 બેઠકો જીતીને સત્તામાં આવે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. આગામી નજીકના દિવસોમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની તમામ બેઠકો ઉપર પ્રવાસનું આયોજન કરવામાં આવી શકે છે. આ સિવાય તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રમુખો સાથે વન ટુ વન બેઠકો થઈ શકે છે અને આગામી ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ આદેશો પણ કરવામાં આવી શકે છે. 2022નો ચૂંટણી જંગ જીતીને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તામાં આવવા માટે તલપાપડ બની છે ત્યારે નવા પ્રમુખ જગદીશ ઠાકોર પાસેથી પણ કોંગ્રેસને અનેક અપેક્ષાઓ છે.

