ઈસ્લામાબાદ, ગુરુવાર
બલૂચિસ્તાનમાં ચીન સતત રોકાણ કરી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા ગ્વાદર પોર્ટ ખાતે પણ ચીને ઘણું રોકાણ કર્યું છે. તેવામાં એવા પ્રકારની રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ચીન ગ્વાદરમાં મિલિટ્રી બેઝ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાને આવા અહેવાલોને રદિયો આપ્યો છે. પાકિસ્તાનના નેશનલ સિક્યૂરિટી એડવાઈઝર મોઈદ યુસૂફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે પાકિસ્તાને ચીનના ગ્વાદરમાં કોઈપણ પ્રકારના મિલિટ્રી બેઝ બનાવવાની પેશકશ કરી નથી.
યુસૂફે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ચીનનો ઈકોનોમિક બેઝ છે. આ ક્ષેત્રમાં દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનમાં રોકાણ કરી શકે છે. અમેરિકા, રશિયા અને મધ્ય-પૂર્વના દેશોને પણ આ પેશકશ કરવામાં આવી હતી. પાકિસ્તાન તમામ દેશો માટે ખુલેલું છે. ચીનને લઈને મોઈદ યુસૂફે કહ્યુ છે કે બીજિંગ, ઈસ્લામાબાદનું નજીકનું મિત્ર છે. દુનિયાના કોઈપ દેશ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજનામાં રોકાણ કરી શકે છે. અમે કોઈના માટે બંધ નથી.
શિનજિયાંગમાં લઘુમતી મુસ્લિમો પર થઈ રહેલા દમનને લઈને યુસૂફે કહ્યુ છે કે અહીં મુસ્લિમો વિરુદ્ધ કથિત અત્યાચાર બાબતે પાકિસ્તાન પશ્ચિમી દેશો સાથે સંમત નથી. જો પશ્ચિમી દેશોને ચીન સાથે કોઈ સમસ્યા છે, તો તેમણે આના સંદર્ભે બીજિંગ સાથે વાત કરવી જોઈએ. અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને યુસૂફ તાલિબાનના શાસનની તરફદારી કરતા દેખાયા. તેમણે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને કહ્યુ છે કે અફઘાનિસ્તાન માનવીય આફત તરફ આગળ વધી રહ્યું છે. તેવામાં દુનિયાના દેશોએ અફઘાનિસ્તાનની મદદ કરવા માટે આગળ આવવાની જરૂરત છે.

