ગાંધીનગર, મંગળવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર જલ યોજના અન્વયે જે ઘર જોડાણો બાકી છે તેને આગામી સપ્ટેમ્બર-2022 સુધીમાં આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્યઆયોજન માટે પણ પાણી પુરવઠા વિભાગને સૂચવ્યું છે. મુખ્યમંત્રીએ હર ઘર જલ યોજનાની રાજ્યમાં થયેલી પ્રગતિ અને હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જિતુ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી સમક્ષ પાણી પુરવઠા વિભાગ દ્વારા હર ઘર જલ યોજના સંદર્ભે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 6 જિલ્લાઓ, 68 તાલુકાઓ અને 12,910 ગામોમાં 100 ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે. ગ્રામીણ ઘરોમાં 88.63 ટકા નળ જોડાણ આપેલા છે. રાજ્યમાં ગયા વર્ષે 10.94 લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે તેમજ આ વર્ષે 10 લાખના લક્ષ્યાંક સામે 6.38 લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે. આ સમીક્ષા દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે જે 9.37 લાખ ઘર જોડાણો બાકી છે તે આગામી સપ્ટેમ્બર-2022સુધીમાં પુરા કરવાના રહેશે.
ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હોલીસ્ટીક એપ્રોચ માટે અને યોજનાઓના આયોજનમાં ઔદ્યોગિક જરૂરિયાત તથા શહેરી વિસ્તારોની જરૂરિયાતોનો સમાવેશ કરવા માટે પણ વિભાગને સૂચન કર્યુ હતું. આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે લોકભાગીદારી વધુ મજબૂત બને તે માટે તેમણે ભાર મુક્યો હતો. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાઓની મંજુરીની પ્રક્રિયા સરળ બનાવીને અમલીકરણમાં ગતિ લાવવામાં આવી છે.

