અમદાવાદ, સોમવાર
મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી તેમજ મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી મોબાઇલ ટુ સ્પોર્ટ્સના અભિયાનની નવતર પહેલ કરવામા આવી છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડિયો ગેમ્સ જેવી પ્રવૃતિમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા અને રમત ગમતની પ્રવૃત્તિ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ 2020-21 દરમ્યાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્ર સ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો /વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃતીઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.
આ હેતુને પાર પાડવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી દ્વારા સંયુક્ત રીતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે.જેમાં 8 થી 13 વર્ષના બાળકોને ધ્યાને રાખીને મકર સંક્રાતિ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (8.3” X11.7”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા. 24 ડિસેમ્બર – 2021 બપોર 12 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.
કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે.તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ, જન્મ તારીખ દાખલો)ની ઝેરોક્ષ અને બેન્ક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં 8 થી 13 વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે.આ સ્પર્ધામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.25,000, દ્રિતીય વિજેતાને રૂ.15,000 અને તૃતીય વિજેતાને રૂ. 10,000 અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.5,000 (પ્રત્યેકને) આશ્વાસન ઇનામરૂપે આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી 24 ડિસેમ્બર – 2021 બપોરે 12 કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે.

