બેંકોક, સોમવાર
મ્યાંમારના લોકશાહી સમર્થક નેતા આંગ સાન સૂ કીને સ્પેશયલ કોર્ટે 4 વર્ષની કેદની સજા આપી છે. સૂ કી પર કોરોનાના પ્રતિબંધો તોડવાનો અને લોકોને ભડકાવવાનો આરોપ છે. એક લીગલ ઓફિસરે સૂ કીને આ સજા આપવામાં આવી હોવાની જાણકારી આપી છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ મ્યાંમારમાં સેનાએ તખ્તાપલટ કર્યો હતો અને સૂ કીના સમર્થનવાળી સરકારને પદભ્રષ્ટ કરી હતી. તેના પછી 76 વર્ષી સૂ કીની વિરુદ્ધ ઘણાં કેસ ચાલી રહ્યા છે. તેમાથી એકમાં તેમને આ સજા આપવામાં આવી છે. ગત વર્ષ નવેમ્બરમાં ચૂંટણીથી પહેલા એક કાર્યક્રમમાં સૂ કીની હાજરી અને તેમા મોટી સંખ્યામાં ટેકેદારોના એકઠા થવાને લઈને તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો.
તે કાર્યક્રમને લઈને તેમના પર કોરોનાના નિયમોના ઉલ્લંઘનના મામલે કેસ ચાલી રહ્યો હતો. એક લીગલ ઓફિસરે નામ ઉજાગર નહીં કરવાની શરતે સૂ કીને આ જાણકારી આપી છે. સૂ કી પર ચાલી રહેલા કેસને મીડિયા અને અન્ય લોકોથી દૂર રાખવામાં આવ્યો હતો. મ્યાંમારની આંતરીક રાજનીતિને સમજનારા લોકોનું કહેવું છે કે સૂ કીને આગામી ચૂંટણીથી દૂર રાખવા અને તેમની છબીને ખરાબ કરવા માટે પણ આવા પ્રકારના ઘણાં કેસ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે. મ્યાંમારના બંધારણ પ્રમાણે, કોઈપણ મામલામાં દોષિત ઠેરવાયા બાદ જેલમાં જનાર વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર નથી. આના સિવાય તે કોઈપણ બંધારણીય પદ પર આસિન થઈ શકતો નથી.
એવું માનવામાં આવે છે કે મ્યાંમારના સૈન્યશાસને સૂ કીને સત્તામાંથી હંમેશા માટે દૂર કરવા માટે પણ આવા ઘણાં મામલા શરૂ કર્યા છે. કહેવામાં આવે છે કે સૂ કીને સજા ફટકારાયા બાદ કેટલાક વિસ્તારોમાં તણાવની સ્થિતિ પેદા થવાની શક્યતા છે. રવિવારે પણ સૂ કીના ટેકેદારોએ ઘણાં વિસ્તારોમાં પ્રદર્શન કર્યા હતા અને લોકશાહી સમર્થક નેતાની મુક્તિની માગણી કરી હતી. દુનિયાભરમાં મહિલાઓના સશક્તિતકરણ અને લોકશાહી માટે સંઘર્ષના પ્રતીક બનેલા આંગ સાન સૂ કીને નોબલ શાંતિ પુરષ્કારનું સમ્માન પણ મળી ચુક્યું છે. તેમને ચાર વર્ષ જેલની સજા પર દુનિયાભરમાં પ્રતિક્રિયા અને મ્યાંમારની સૈન્ય સરકારની નીતિઓ પર સવાલો ઉઠવાની પણ શક્યતા છે.

