કોહિમા, સોમવાર
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયો સોમવારે મોન જિલ્લામાં સુરક્ષાદળોના ફાયરિંગમાં જીવ ગુમાવનારા નાગરિકોને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. તેમણે અહીં ફરી એકવાર નાગાલેન્ડમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે AFSPAને હટાવવાની માગણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ઉગ્રવાદ પર નિયંત્રણ મેળવવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, ત્યાર પછી તે પાછો કેમ ખેંચવામાં આવ્ય નથી. મહત્વપૂર્ણ છે કે રવિવારે સુરક્ષાદળોના ફાયરિંગમાં 14 નાગરિકોના મોત બાદ નાગાલેન્ડમાં ફરી એકવાર AFSPAને હાવવાની માગણી ઉગ્ર બની રહી છે. આ ઘટના એવા સમયે થઈ છે કે જ્યરે કેન્દ્ર સરકાર સતત નગા વિદ્રોહી જૂથો સાથે શાંતિ સ્થાપિત કરવાની વાટાઘાટો કરી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
નાગાલેન્ડમાં AFSPA ઘણાં દશકોથી લાગુ છે. 1958માં સંસદે AFSPA લાગુ કર્યો હતો. ભારતમાં બંધારણ લાગુ થયા બાદથી જ પૂર્વોત્તરના રાજ્યોમાં વધી રહેલા ભાગલાવાદ, હિંસા અને વિદેશી આક્રમણો સામે સંરક્ષણ માટે મણિપુર અને આસામમાં 1958માં AFSPA લાગુ કરવામાં આવ્યો હતો. 1972માં કેટલાક સંશોધનો બાદ આસામ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ સહીત સમસ્ત પૂર્વોત્તર ભારતમાં AFSPAએ લાગુ કરવામાં આવ્યો હતો.
નાગાલેન્ડ સરકારે મોન જિલ્લામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. નાગાલેન્ડના પરિવહન મંત્રી પેવંગ કોનયકે રવિવારે રાત્રે ગ્રામ સમિતિના ચેરમેનને વળતરની રકમ સોંપી દીધી છે. કોનયકે એમ પણ કહ્યુ હતુ કે ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવ્યું છે.
રવિવારે નાગાલેન્ડના મોન જિલ્લામાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું. અહીં કેટલાક લોકો માઈનિંગનું કામ કરવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી તેમના પાછા નહીં ફરવાની સ્થિતિમાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને તેમને એક પિકઅપ વેનમાં 6 યુવકોની લોહીથી લથપથ લાશો મળી હતી. આ લાશો મળ્યા બાદ સ્થાનિકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને પછી ઉજાગર થયું કે સુરક્ષાદળોના ફાયરિંગને કારણે આ યુવકો માર્યા ગયા. ઘટનાથી આક્રોશિત લોકોએ સુરક્ષાદળોની ગાડીઓને આગચંપી કરી હતી અને ફરી એકવાર સુરક્ષાદળોના ફાયરિંગમાં કેટલાક લોકોના જીવ ગયા હતા. અહેવાલો પ્રમાણે, સુરક્ષાદળોએ 6 શ્રમિકોને નગા ઉગ્રવાદીઓ સમજીને ફાયરિંગ કર્યું હતું.
સૌથી મોટા નગા ઉગ્રવાદી સમૂહ નેશનલિસ્ટ કાઉન્સિલ ઓફ નગાલિમે આ હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોની ટીકા કરી છે. સમૂહના પ્રમુખ ઈઝારક મુઈવાહે નાગરિકોની હત્યાને નગાઓના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં સામેલ પાંચ મોટા વિદ્રોહી જૂથોમાં એનએસસીએન પણ સામેલ છે. તો નિકી સુમીની આગેવાનીવાળા ખાપલાંગ જૂથે પણ શાંતિ વાટાઘાટો વચ્ચે નાગરિકોની હત્યાને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ સમૂહનું કહેવું છે કે લાંબા સમયથી નગા લોકોને દોસ્તના રૂપમાં આવનારા સુરક્ષાદળોની બર્બરતા સહન કવી પડી છે. નગા ન્યાયની માગણી કરી રહ્યા છે અને ભારત સરકારે હવે આ મામલામાં તપાસ શરૂ કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં.
AFSPAની કલમ-4 પ્રમાણે સુરક્ષાદળના અધિકારી શંકા થવા પર કોઈપણ સ્થાનની તલાશી લઈ શકે છે અને ખતરો થવા પર તે સ્થાનને નષ્ટ કરવાનો આદેશ પણ આપી શકે છે. આ કાયદા હેઠળ સેનાના જવાનોને કાયદો તોડનારા વ્યક્તિ પર ગોળીબાર કરવાનો પણ અધિકાર છે. જો આ દરમિયાન તે વ્યક્તિનું મોત પણ થઈ જાય છે, તો તેની જવાબદારી ગોળી ચલાવનારા અથવા તેનો આદેશ આપનારા અધિકારી પર નહીં હોય. સશસ્ત્ર દળ કોઈપણ વ્યક્તિને કોઈપણ વોરંટ વગર એરેસ્ટ કરી શકે છે. ધરપકડ દરમિયાન તે કોઈપણ પ્રકારની શક્તિનો ઉપયોગ કરી શકે છે. AFSPAને અશાંતિવાળા વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે.

