અમદાવાદ/રાજકોટ, સોમવાર
બિલ્ડિંગ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા લોખંડ અને સિમેન્ટના ભાવમાં છેલ્લાં બે વર્ષમાં ખૂબ જ ચડઉતર થઇ છે અને છેલ્લા કેટલાક મહિનામાં પણ તેના ભાવમાં સતત વધારો થતો રહ્યો હોવાથી બાંધકામના ચોરસ દીઠ ભાવોમાં પણ વધારો થયો છે. પરિણામે ઘરોની વેચાણ કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે. કન્સ્ટ્રકશન બિઝનેસ કોરોનાકાળના સંકટમાંથી બહાર આવી રહ્યો છે. સ્ટેમ્પ ડયૂટીમાં કોઇ ઘટાડો નહોતો થયો છતાં છેલ્લા બે મહિનામાં ખાસ કરીને દિવાળી પર ઘરોના વેચાણનો આંકડો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
આથી બિલ્ડરોની રોકડ ઉપલબ્ધતા વધી રહી છે પરંતુ લોખંડ – સિમેન્ટ સહિત અન્ય બાંધકામ માટે વપરાતા કાચામાલના ભાવવધારાએ તેમની ચિંતા વધારી છે. બિલ્ડરોના સંગઠનો છેલ્લા એક વર્ષથી લોખંડ અને સિમેન્ટની વધતી કિંમતો પર નજર રાખી રહ્યા છે અને એમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગ પણ કરી હતી. લોખંડ અને સિમેન્ટના સતત વધતા ભાવોને નિયંત્રણમાં લાવવા માટે સરકારના હસ્તક્ષેપની તાતી જરૂર છે એવો મત બિલ્ડરોએ વ્યકત કર્યો હતો.
જો કે, સરકાર તરફથી એમને કોઇ પ્રતિભાવ મળ્યો નથી. જેથી બિલ્ડરો માટે કાચામાલની વધતી કિંમતોની ભરપાઇ કરવા માટે ઘરની વેચાણ કિંમતો વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ એક બિલ્ડરે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘લોખંડ, સિમેન્ટ, તાંબુ અને એલ્યુમિનિયમની કિંમતોમાં વધારો થયો હોવાથી હવે બાંધકામના ખર્ચમાં પણ વધારો થયો છે. જો આની કિંમતોમાં ઘટાડો નહીં થાય તો બાંધકામના ખર્ચમાં 10થી 12 ટકાનો વધારો થશે.’
હવે એ વાત પણ સ્વાભાવિક છે કે, બાંધકામનો આ જે ખર્ચ વધશે એ બિલ્ડર તો નહી જ ભોગવે અને ભાર તો બધો કન્યાની કેડે આવે એમ અંતે તો ગ્રાહકો પર જ નાખવામાં આવશે. આથી ઘરોની વેચાણ કિંમતમાં પણ વધારો થઇ શકે છે. (તસવીર પ્રતિકાત્મક છે)

