ભોપાલ, સોમવાર
મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૂરી ખાને કોંગ્રેસમાં તમામ પદો પરથી રવિવારે રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટ કરીને આને લઈને જાણકારી સાર્વજનિક પણ કરી હતી. જો કે 2 કલાક બાદ જ તેમણે પોતાનું રાજીનામું પાછું ખેચ્યું હતું.
નૂરી ખાને પાર્ટીની અંદર મુસ્લિમો સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે મુસ્લિમ હોવાને કારણે તેમની સાથે કોંગ્રેસમાં આ વ્યવહાર થઈ રહ્યો છે. રવિવારે સાંજે નૂરી ખાને ટ્વિટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું. કોંગ્રેસ પાર્ટીમાં રહીનેલઘુમતી કાર્યકર્તાઓ અને પોતાના લોકોને રાજકીય અને સામાજીક ન્યાય અપવવામાં અસહજ મહેસૂસ કરી રહી છું, ભેદભાવનો શિકાર થઈ રહી છું. આખરે પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી રહી છું.
એક ન્યૂઝ ચેનલની સાથેની વાતચીતમાં નૂરી ખાને કહ્યું હતું કે હું સંગઠનમાં કામ કરવાના ઉદેશ્યથી સતત પાર્ટી સાથે જોડાયેલી રહી, પરંતુ પાર્ટી માટે સતત કામ કરવા છતાં મુસ્લિમ હોવાને કારણે મને હાંસિયામાં મૂકવામાં આવી રહી છે. માટે મે આ પગલું ઉઠાવ્યું છે. કોંગ્રેસ સાથેનું મારું જોડાણ 22 વર્ષ જૂનું છે. પરંતુ મને કહેવામાં આવે છે કે જો ટિકિટ જોઈએ છે, તો મુસ્લિમ બહુલ સીટ જોવો અને તેના પછી મને લાગે છે કે પાર્ટીમાં ધર્મનિરપેક્ષતા હવે હહી નથી. મારો પ્રિયંકાજી અને રાહુલજીને સવાલ એ છે કે શું ભાજપ અને કોંગ્રેસમાં કોઈ અંતર નહીં રહે?
નૂરી ખાનના રાજીનામાના અહેવાલો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું હતું. નૂરી ખાને કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ કમલનાથે તેમની સાથે વાત કરી છે અને ભરોસો અપાવ્યો છે કે તેની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. તેના પછી નૂરી ખાને રાજીનામું પાછું ખેંચ્યું હતું. નૂરી ખાને જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ કમલનાથે 9મી ડિસેમ્બરે તેમને ભોપાલ ખાતે મળવા માટે બોલાવ્યા છે અને તેના પછી તેઓ આગળના પગલાંને લઈને નિર્ણય કરશે.

