ગાંધીનગર, સોમવાર
ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને યુનિવર્સિટી ઓફ લદ્દાખ વચ્ચે તાજેતરમાં સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને પ્રોફે. એસ. કે. મહેતા, કુલપતિ, યુનવર્સિટી ઑફ લદ્દાખે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પ્રો. એસ.કે. મહેતા, કુલપતિ, યુનવર્સિટી ઑફ લદ્દાખે પરસ્પર હિતના વિવિધ વિષયોમાં દ્વિપક્ષીય સહકાર વિશે ચર્ચા કરી હતી. તેઓ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન સહિતની પ્રવૃત્તિઓથી ખૂબ પ્રભાવિત થયા હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે આ સમજૂતી કરાર અંગે જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટી શૈક્ષણિક જ્ઞાનને વધારવા અને સંયુક્ત રીતે સંકલન અને વિવિધ તાલીમ કાર્યક્રમોનું સંચાલન કરવા હેતુસરના સામાન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે સહયોગ કરશે. NFSU ફોરેન્સિક વિજ્ઞાનની ક્ષમતાઓને મજબૂત કરવામાં યુનિવર્સિટી ઑફ લદ્દાખને મદદ કરશે. સાથે જ આ બંને શૈક્ષણિક સંસ્થાનો સંયુક્ત રીતે સિમ્પોસિયા, વર્કશોપ, સંશોધન, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ સહિતના આયોજન પણ કરશે.
પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત, શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કન્સલ્ટન્સી સહિતની વિગતવાર રજૂઆત સાથે તેની ક્ષમતાઓ વિશે માહિતી આપી હતી. આ સમજૂતી કરાર દરમિયાન સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU; તથા યુનિવર્સિટી ઑફ લદ્દાખના કેમ્પસ ડાયરેક્ટર, ડીન એકેડેમિક્સ, પ્રોફેસર હાજર રહ્યા હતા.

